Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કાશ્મીરના બડગામમાં વધુ ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા: વર્ષના પ્રથમ ૭ દિવસમાં ૧૧ આતંકીઓનો સફાયો: સુરક્ષા દળોને મોટી સફળતા

 જમ્મુ: આ વર્ષના પ્રથમ ૭ દિવસમાં સુરક્ષા દળોએ ૧૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે.  આજે પણ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  આજના એન્કાઉન્ટરની ખાસ વાત એ હતી કે એન્કાઉન્ટર તુરત ખતમ કરવા માટે સુરક્ષા દળોએ મોર્ટાર અને આઈઈડી વડે આતંકીઓ જે ઘરોમાં ઘૂસ્યા હતા તે ઘરોને ઉડાવી દીધા હતા.  છેલ્લા સાત દિવસમાં ૪ તો પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
 અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકોએ જલુવા (બડગામ)માં છુપાયેલા ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા.  જો કે, તેને મારતા પહેલા, સુરક્ષા દળોએ તેને રાતથી સવાર સુધી ઘણી વખત આત્મસમર્પણ કરવાની તક આપી.  આ માટે ગામના વડીલો અને મૌલવીઓની મદદ પણ લેવામાં આવી હતી, પરંતુ જ્યારે તેઓએ હથિયાર મૂકવાનો ઇનકાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ ઓપરેશનને લંબાવ્યા વિના ભારે હથિયારોનો ઉપયોગ કરીને એક પછી એક ત્રણેયને ફૂંકી માર્યા.
 માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે પરંતુ પોલીસે હજુ સુધી આ આતંકવાદીઓની ઓળખ અને સંગઠન વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.  જો કે, આઈજીપી કાશ્મીર વિજય કુમારે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયાની પુષ્ટિ કરી છે.  તેમણે કહ્યું કે આમાં શ્રીનગરનો રહેવાસી એક આતંકવાદી વસીમ પણ સામેલ છે.

 

(11:09 am IST)