Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વોટર મીટરની બિલિંગના અજીબ કિસ્સા:ટીએમસીએ હજારને બદલે સીધુ 5 કરોડનું પાણી બિલ મોકલી દીધું !

એક વ્યક્તિને 3 મહિનાનું 5 લાખ 70 હજાર રૂપિયાનું બિલ :મળ્યું સામાન્ય લોકોને 500- 1000ને બદલે લાખ્ખો- કરોડોના વોટર બિલ મળતા કચવાટ : ઘણાંના મીટર બંધ હોવા છતાં એમને મસમોટા બિલ પકડાવી દેવાયા

થાણે : સ્માર્ટ સિટી થાણેમાં ડિજીટલ મીટર યોજના અંતર્ગત લગાવાયેલા વોટર મીટરની બિલિંગના અજીબ કિસ્સા બહાર આવી રહ્યા છે. એને લીધે લોકોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે. સામાન્ય લોકોને 500- 1000ને બદલે લાખ્ખો- કરોડોના વોટર બિલ મળતા હોવાનું સામે આવ્યું છે.

શહેરના ટેકડી બંગલા વિસ્તારમાં રહેતી એક વ્યક્તિને 3 મહિનાનું 5 લાખ 70 હજાર રૂપિયાનું બિલ મળ્યું હતું. એણે સ્થાનિક નગરસેવક નારાયણ પવારને મળી પોતાની મુશ્કેલી કહી પવારની પહેલને પગલે વોટર ડિપાર્ટમેન્ટે વોટર બિલમાં થયેલી ભૂલ સુધારી સંબંધિત વ્યક્તિને 910 રૂપિયાનું બિલ આપ્યું હતું.

પવારના જણાવવા મુજબ એક સજ્જનને ટીએમસીએ અમુક હજારને બદલે સીધુ 5 કરોડ રૂપિયાનું પાણી બિલ મોકલી દીધું હતું. ફરિયાદ કરાયા બાદ બિલ સુધારી લેવાયું હતું. ઘણાંના મીટર બંધ હોવા છતાં એમને મસમોટા બિલ પકડાવી દેવાય છે.

શહેરમાં મોટાભાગના લોકોને જે બિલ મળ્યા છે એમાં લિટર દીઠ રૂ.9થી 55ના દરે પાણીની કિંમત આંકવામાં આવી છે. જ્યારે મીટર પ્રમાણે પાણીનો દર લિટર દીઠ મિનીમમ રૂ.13 અને મેક્સિમમ રૂ.35 છે.

(11:12 am IST)