Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

નક્સલીઓએ ક્રૂરતાની હદો પાર કરી: પોલીસના બાતમીદાર હોવાની શંકાએ એક યુવતી સહીત ત્રણને મોતને ઘાટ ઉતાર્યા

છત્તીસગઢમાં નક્સલીઓએ જન અદાલત યોજી મૃત્યુની સજા સંભળાવીને ગ્રામીણોની હાજરીમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી :ગ્રામીણ ક્ષેત્રોમાં ભારે દહેશતનો માહોલ

છત્તીસગઢના બીજાપુર ખાતે નક્સલીઓએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. નક્સલીઓએ પહેલા ત્યાં જન અદાલત યોજી હતી અને ત્યાર બાદ તેમાં સામેલ 3 આદિવાસીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. નક્સલીઓએ 2 યુવક અને 1 યુવતીની હત્યા કરી હતી. નક્સલીઓએ મૃતકો પર પોલીસના બાતમીદાર હોવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના ગંગાલૂર થાણા ક્ષેત્રના ઈડિનાર ખાતે બની હતી. નક્સલીઓએ ત્રણેય વ્યક્તિ પર પોલીસના બાતમીદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ મૃત્યુની સજા સંભળાવીને ગ્રામીણોની હાજરીમાં જ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી.

ગ્રામીણોએ ગંગાલૂરના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. બીજાપુર એસપી કમલોચન કશ્યપે જણાવ્યું કે, આ ઘટનાસંબંધી તમામ જાણકારીઓ એકત્રિત કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ કશુંક કહી શકાય. હાલ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

(1:58 pm IST)