Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વડાપ્રધાનની સુરક્ષામાં થયેલ ચૂક પર પણ કોંગ્રેસમાં આંતરીક મતભેદ

ચન્ની સામે કોંગ્રેસના કેટલાક નેતાઓએ ઉંઠાવ્યા સવાલઃ પીએમ જેવા નેતાએ આવુ હલકુ નાટક ના કરવુ જોઇએઃ ચન્ની

ચંદીગઢઃ વડાપ્રધાન મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન સુરક્ષામાં થયેલ ચુક બાબતે પણ કોંગ્રેસ વીખરાયેલી દેખાઇ રહી છે. મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્ની આને કોઇ ચુક નથી ગણતા ત્યારે તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવી છે. આ નેતાઓમાં પંજાબ કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ સુનીલ જાખડ અને રાજયસભા સાંસદ મનીષ તિવારી જેવા નામ સામેલ છે.
પંજાબ કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ સુનીલ જાખડ પછી સાંસદ મનીષ તિવારીએ પક્ષની લાઇનથી અલગ વાત કહી છે. મનીષે વડાપ્રધાનની સુરક્ષામાં ચુકની ઘટનાને દુર્ભાગ્ય પુર્ણ ગણાવીને આ આખી ઘટનાની તપાસ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ પાસે કરાવવાની માંગણી કરી છે. તેમણે ટવીટ કરીને કહયું કે આ ઘટના દુર્ઘટના પુર્ણ હતી. આવુ નહોતુ થવુ જોઇતુ. તેમણે વધુમાં કહયું  કે વડાપ્રધાનની સુરક્ષા અંગે સંસદમાં એક કાયદો બન્યો છે જેને એસપીજી એકટ કહેવાય છે. વડાપ્રધાનની સુરક્ષામાં ચુક એક સંવેદનશીલ બાબત છે. તેને રાજકીય ફુટબોલ ના બનાવવો જોઇએ. સાચા તથ્યો સામે લાવવા માટે હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા ઘટનાની તપાસ થવી જોઇએ.
આ પહેલા પક્ષના નેતા સુનીલ જાખડ પણ આ મુદ્દે ચન્ની સરકારને ઘેરી ચુકયા છે. તેમણે કહયું હતું કે પંજાબમાં જે કંઇ પણ થયુ  તે સ્વીકાર્ય નથી. વડાપ્રધાનને રેલીના સ્થળે પહોંચવા માટે સુરક્ષીત માર્ગ અપાવો જોઇતો હતો.
તો બીજી તરફ વડાપ્રધાનની સુરક્ષામાં ચુક બાબતે ટીકાઓનો સામનો કરી રહેલ મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીએ ગુરૂવારે  આક્ષેપ કર્યો કે મોદીના ‘જીવના જોખમના નાટક’નો ઉંદેશ રાજયમાં લોકશાહી ઢબે ચુંટાયેલ સરકારને પાડવાનો છે. ચન્નીએ કહયું કે વડાપ્રધાન દેશના એક સન્માનીય નેતા છે પણ તેમના જેવા મોટા કદના નેતાને આ પ્રકારની ‘ઘટીયા નૌટંકી’માં સામેલ થવાનું શોભા નથી આપતું. તેમણે દાવો કર્યો કે મોદીના જીવને કોઇ જોખમ નહોતુ પણ ફીરોઝપુરમાં ભાજપાની રેલીમાં લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે તેમણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો.

 

(2:22 pm IST)