Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC અને EWSને ૨૭ ટકા અનામતને આપી મંજુરી

NEET કાઉન્‍સલિંગ ૨૦૨૧નો રસ્‍તો ક્‍લીયર : ગુંચવાયેલો મામલો હવે ઉકેલાઇ જવાના એંધાણ ચાલુ વર્ષે પણ જારી રહેશે EWS કોટા : સુપ્રીમ કોર્ટનો મહત્‍વનો ચુકાદો

નવી દિલ્‍હી તા. ૭ : નીટ પીજી કાઉન્‍સલિંગ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. કોર્ટે કાઉન્‍સલિંગને શરૂ કરવા માટે કહ્યું છે. સાથે જ કાઉન્‍સલિંગમાં ઓબીસી અને EWS અનામતને આ સત્ર માટે યથાવત રાખ્‍યો છે. કેન્‍દ્ર સરકારે કાઉન્‍સલિંગને શરૂ કરવાની મ્‍હોર લગાવી હતી. કોર્ટે અગાઉ આ મામલે સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્‍યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્‍પષ્‍ટ થઇ ગયું છે કે, ઓબીસીને નીટ પીજી કાઉન્‍સલિંગમાં ૨૭ ટકા અનામત મળશે. સાથે જ EWS છાત્રોને પણ આ જ સત્રથી અનામતનો ફાયદો મળશે. કોર્ટે કહ્યું છે કે, કાઉન્‍સલિંગને તાત્‍કાલિક ધોરણે શરૂ કરવાની જરૂરીયાત છે. કોર્ટ આ મામલે માર્ચ મહિનામાં વિસ્‍તૃત સુનાવણી કરશે. કોર્ટના નિર્ણયથી નીટ પીજીના છાત્રોને રાહત મળશે કારણ કે હવે કાઉન્‍સલિંગનો રસ્‍તો સરળ થશે. સુપ્રીમ કોર્ટમાં ઓલ ઇન્‍ડિયા કોટા મેડિકલ સીટોમાં ઓબીસીને ૨૭ ટકા અને EWS છાત્રોને ૧૦ ટકા અનામત આપવા માટે એમસીસીની ૨૯ જુલાઇની અધિસૂચનાને અરજી દ્વારા પડકારવામાં આવ્‍યો હતો. આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશહિતમાં કાઉન્‍સલિંગની સંપૂર્ણ પ્રોસેસ શરૂ કરવી જોઇએ.
NEET કાઉન્‍સિલિંગમાં વિલંબને કારણે નવા સત્ર માટે એડમિશન અટકી ગયા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન હોસ્‍પિટલોમાં કામ કરતા રેસિડેન્‍ટ ડોક્‍ટરો પર કામનું ભારણ વધી રહ્યું હતું, જેના કારણે દિલ્‍હીના ડોક્‍ટરોએ ભૂતકાળમાં કેન્‍દ્ર સરકાર સામે મોટો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી, કેન્‍દ્રએ સુપ્રીમ કોર્ટ પાસે NEET PG કાઉન્‍સેલિંગ કેસમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી.
તે જ સમયે, NEET PG કેસમાં સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ દાતારે કહ્યું કે જયાં સુધી ૮ લાખની મર્યાદાનો સંબંધ છે, તેનો કોઈ આધાર નથી. હું બતાવવા માંગતો હતો કે સિન્‍હા કમિટીની રચના ૨૦૦૬માં થઈ હતી અને તેનો રિપોર્ટ ૨૦૧૦માં સુપરત કર્યો હતો. હવે આ કમિટીમાં મેજર જનરલ દવેનો સમાવેશ કરવામાં આવ્‍યો અને તેમણે હાઈકોર્ટના નિવૃત્ત જજની મદદ પણ લીધી. કમિટીએ આવકના માપદંડો અંગે ખૂબ જ વિગતવાર અભ્‍યાસ કર્યો છે. તેથી સ્‍પષ્ટ છે કે ૮ લાખ એ ટોપ ડાઉન એપ્રોચ છે અને બોટમ એપ્રોચ નથી.
સુનાવણી દરમિયાન, સરકારે કહ્યું હતું કે વર્તમાન પરિસ્‍થિતિમાં ડોક્‍ટરોની તાત્‍કાલિક જરૂર છે. અરજદારોનું કહેવું છે કે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન માપદંડ બદલવામાં આવ્‍યા છે. પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ જનરલ કેટેગરીની ૨૫૦૦ બેઠકો ઓછી થઈ છે. આરક્ષણ માટે ૫૦% ની મર્યાદા છે. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્‍યામ દિવાને EWS અને OBS ક્‍વોટાના અમલીકરણ માટે ૨૯મી જુલાઈની સૂચનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ રમતની વચ્‍ચે નિયમોમાં ફેરફાર કરવા જેવું છે કારણ કે પરીક્ષાની સૂચના જારી થયા પછી અનામત નીતિ રજૂ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે પીજી મેડિકલ એડમિશનમાં નવી આરક્ષણ યોજનાએ ૨,૫૦૦ થી વધુ જનરલ કેટેગરીની બેઠકો ઘટાડી છે, તેથી ચાલુ સત્રમાં તેનો અમલ થવો જોઈએ નહીં.

 

(3:20 pm IST)