Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ચુંટણીના ફલક ઉંપર ઉંભેલા ઓપનર નવજોત સિધ્ધુ પંજાબ કોંગ્રેસની ભુમી પર એકલા અટુલા

ચન્ની સરકારના મુખ્ય આલોચક તરીકે ઉંભરેલા સિધ્ધુથી કોંગ્રેસના જ કેટલાય નેતાઓ સાવધાની રાખે છે

ચંદીગઢ, તા., ૭:  પંજાબમાં કોંગ્રેસ લાખ દાવા કરે કે પાર્ટીમાં બધુ બરોબર છે  પરંતુ સ્થિતિ સામાન્ય નથી. કેપ્ટન અમરીન્દરસિંહ અને નવજોત સિધ્ધુની લડાઇ જગજાહેર છે. હવે રાજયના નવા સવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની સાથેનો સિધ્ધનો મનમોટાવ પણ ફુલીને સામે આવી ચુકયો છે. એક વાત ચોખ્ખી છે કે આ બંન્ને પ્રકરણોને લઇને પંજાબની રાજનીતીમાં સિધ્ધુએ પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. તમે તેને પ્રેમ કરી શકો છો, નફરત કરી શકો છો પરંતુ નજર અંદાજ નહિ!
ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિધ્ધુને ગયા વર્ષે કોંગ્રેસની કેન્દ્રીય કમાન્ડે  પ્રમુખની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ સરકાર પણ બદલાણી, અનુભવી અમરીન્દરસિંહે સપ્ટેમ્બરમાં રાજીનામુ આપ્યું. ત્યાર બાદ પંજાબના પ્રથમ દલીત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બન્યા છે.  સિધ્ધુના તેવરથી કોંગ્રેસના નેતાઓ સાવધાની રાખી રહયા છે
ઇન્ડીયા ટુડેના રીપોર્ટ મુજબ જયારે સિધ્ધુને પ્રદેશ પ્રમુખ નિયુકત કરવામાં આવ્યા ત્યારથી પાર્ટીના મોટા ભાગના નેતાઓ વિરોધીઓનો જોરદાર મુકાબલો કરવાની તેની ક્ષમતાથી સાવધાન છે. સિધ્ધુ ન તો  કોંગ્રેસના દિગ્ગજ કે નથી તેની પાસે વ્યાપક  જનાધાર તો પણ પાર્ટીએ તેમને નેતૃત્વ માટે ચુંટયા છે જેનો ઉંદ્રેશ્ય સ્પષ્ટ છે કે અમરીન્દર  શાસનની સત્તા વિરોધી લહેરને હળવી કરવી.
ચન્ની સરકાર ઉંપર પણ સિધ્ધુના હુમલા સતત ચાલુ છે
ચન્ની સાથે તેમન સંબંધો સામાન્ય નથી. સરકારના મુખ્ય આલોચક તરીકે સિધ્ધુ સામે આવ્યા છે. મુખ્ય પ્રવકતા એપીએસ દેઓલ સાથે ગયા નવેમ્બરમાં ડી.એસ.પટવાલીયા અને ડિસેમ્બરમાં રાજયના ડીજીપી આઇપીએસ અધિકારી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાયની નિમણુંકના મુદ્દે સિધ્ધુએ મોં ફેરવ્યું હતું. પંજાબ અને કોંગ્રેસની રાજનીતીમાં સૌ કોઇ જાણે તેઓ મુખ્યમંત્રી થવાની મહત્વકાંક્ષા રાખે છે.
ડેમેજ કંટ્રોલમાં પડી છે કોંગ્રેસ
સિધ્ધુના દબાણ હેઠળ કોંગ્રેસે હજુ  સુધી ચન્નીને આગામી ચુંટણીમાં પાર્ટીના સીએમના ચહેરા તરીકે જાહેર કરવાથી દુર રહી છે. પાર્ટીનું કહેવું છે કે ચુંટણી સામુહીક નેતૃત્વમાં લડાશે. છતા પણ સિધ્ધુ પોતાને સીએમના ઉંમેદવાર જાહેર કરવા માટે પાર્ટી પર દબાણ ઉંભુ કરી રહયા છે. કોંગ્રેસના અંતરંગ સુત્રોનું માનવુ છે કે તેમનું કોઇ પણ પ્રકારનું પ્રમોશન દલીતો અને ઉંચ્ચ વર્ણ હિન્દુઓ વચ્ચે કોંગ્રેસની સંભાવનાઓને  નુકશાન પહોંચાડી શકે છે.
કોંગ્રેસને સંવર્ણો મતદારો દુર જવાની છે બીક
પંજાબના પહેલા દલીત મુખ્યમંત્રી ચન્ની પોતાની જાતીના આધાર (રવિદાસી, રામદાસી, અન્ય ધર્મી) કોંગ્રેસની તરફેણમાં ભેગા કરી રહયા છે. તેઓ દલીતોની અન્ય ઉંપજાતીઓ સાથે મેળ બેસાડવા પણ કોશીષ કરી રહયા છે. આ વચ્ચે કોંગ્રેસી નેતાઓને સંવર્ણ હિન્દુ આધાર ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પરિવર્તીત થવાનો ડર છે. સુત્રોનું કહેવું છે  કે જો શિરોમણી અકાલીદલ જાટ શીખ મતો સાથે ચાલવામાં સફળ થશે તો માલવા પટ્ટામાં આપથી વધુ કોંગ્રેસને નુકશાન થઇ શકે છે. અમરીન્દરે કોંગ્રેસ છોડયા બાદ ગ્રામ્ય મતદાતાઓ પણ અકાલીદળ તરફ ઝુકે તેવી આશંકા છે. રાજય કોંગ્રેસમાં પડેલી તીરાડથી વધુ નુકશાન થઇ રહયુ઼ છે.
દિલ્હીએ ચંદીગઢને અંદરોઅંદરની લડાઇ સામે ચેતવણી આપી છે
દિલ્હીમાં બેઠેલા ચિંતાગ્રસ્ત કોંગ્રેસી નેતાઓએ પંજાબ એકમને સાથે મળીને મોરચો બનાવવાનું અને એક-બીજા ઉંપર હુમલા કરવાનું છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે.  પરંતુ ફરમાન કામ કરી રહયું નથી. તાજી ઘટનામાં શિરોમણી અકાલીદલ નેતા વિક્રમસિંહ મજીઠીયાને ડ્રગ્સના મામલે ધરપકડ કરવાના મુદ્દે સિધ્ધુ અને ગૃહમંત્રી સુખજીન્દર રંધાવા વચ્ચે અણબનાવ થઇ ગયો છે.
સિધ્ધુની રેલીઓથી કોંગ્રેસના જ નેતાઓમાં અસંતોષ ઉંભરે છે
સિધ્ધુ  જેવા જાટ શીખ રંધાવાએ રાજીનામુ ફગાવવાની તૈયારી દેખાડી છે. પંજાબના ઉંપલા પટ્ટામાં સિધ્ધુ અને રંધાવા  બંન્નેનો દબદબો છે જેનું પ્રતિનિધિત્વ રાજીન્દર બાજવા, સુખબીન્દર સરકારીયા, ઓમપ્રકાશ સોની અને રાજયસભા સાંસદ પ્રતાપસિંહ બાજવા જેવા નેતાઓ પણ કરે છે. સિધ્ધુ પોતપોતાના ક્ષેત્રમાં રેલીઓ કરે છે તે આ નેતાઓ સહન કરી શકતા નથી.
ધારાસભ્યોએ છોડી દીધો હતો કોંગ્રેસનો હાથ
કોંગ્રેસ એ  એઆઇસીસીના સેક્રેટરી અજય માકનના નેતૃત્વમાં સ્ક્રીનીંગ કમીટીની રચના કરી છે. ડિસેમ્બરના અંતમાં ર વિધાયક ફતેહજંગ બાજવા (કાદીયાન) અને તેમના પુર્વ ચેલા બલવીન્દર લડ્ડી(શ્રી હરગોવિંદ પુર) ભાજપમાં સામેલ થઇ ગયા હતા. પોતાના ચુંટણી ક્ષેત્રમાં સિધ્ધુએ કરેલી રેલી પછી આમ થયું હતું. જો કે ચન્ની લડ્ડીને કોંગ્રેસમાં પાછા લાવવામાં સફળ રહયા છે.
રાજયસભા સાંસદ શમશેરસિંહ ડુલ્લોને સિધ્ધુએ આપેલા સમર્થનને ચન્ની જુથ મુખ્યમંત્રી ઉંપર આડકતરા હુમલાના રૂપે જોઇ રહયું છે. સિધ્ધુએ ડિસેમ્બરના છેલ્લા સાહમાં ડુલ્લો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં દલીત છાત્રો માટે શિષ્યવૃતી  અને રાજયમાં ઝેરીલી શરાબની  બદી સંબંધીત કહેવાતા ગોટાળા ઉંપર ચન્ની સરકારની ચુપ્પીનો મુદ્દો ચર્ચાયો હતો. ડુલ્લો અને ચન્ની એક બીજા સામે આંખ પણ નથી મિલાવતા. પીપીસીસી પ્રમુખના રૂપમાં ડુલ્લોએ ર૦૦૭ માં ચન્નીને ચમકૌર સાહીબથી ટીકીટ આપવાનો ઇન્કાર કર્યો હતો.
પંજાબ માટે સિધ્ધુ પોતાનુ વિકાસ મોડેલ રજુ કરી રહયા
આ વચ્ચે સિધ્ધુ પંજાબ માટે પોતાનું વિકાસ મોડેલ લોકો સામે રજુ કરી રહયા છે. પ્રતાપ બાજવાના નેતૃત્વવાળી ઘોષણાપત્ર સમીતી આ મુદ્દા ઉંપર કામ કરી રહી છે. જયાં સુધી ચુંટણીની વાત છે ત્યાં સુધી સિધ્ધુને પોતાના જ ચુંટણી ક્ષેત્ર અમૃતસર પુર્વમાં ખુબ મહેનત કરવી પડશે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ સિધ્ધુ ત્યાંથી ચુંટણી હારી જાય તેવું ઇચ્છી રહયા છે.  અમૃતસર પુર્વના રહેવાસીઓ અવાર નવાર તેમની ગેરહાજરીની ફરીયાદ કરી રહયા છે. આ પહેલા સિધ્ધુની પત્ની અહિંથી વિધાયક હતા. બીજી બાજુ સિધ્ધુને તેના વતન પટીયાલામાંથી મેદાનમાં ઉંતારી અમરીન્દરને પડકાર આપવાની યોજના ઉંપર કામ ચાલી રહયું છે. પરંતુ પટીયાલામાં ભાજપ દ્વારા અમરીન્દરને સમર્થન મળતા આ એટલુ આસાન નહી રહે.

 

(4:29 pm IST)