Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પીએમ સુરક્ષા ચુક કેસ

આંતરરાષ્ટ્રીય આતંકવાદનો મામલો હોય શકે છે : NIA તપાસ કરે : કેન્દ્રનો સુપ્રીમમાં ધડાકો

નવી દિલ્હી તા. ૭ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક મામલામાં  સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે. પંજાબના ફિરોઝપુરમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક મામલે સુપ્રીમ કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીની મુવમેન્ટના સંપૂર્ણ રેકોર્ડને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદીના ટ્રાવેલ રેકોર્ડને સુરક્ષિત રાખવામાં આવે. કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલાને કોઇ પર પણ છોડી શકાય નહીં. તેઓએ કહ્યું કે, આ મામલો ક્રોસ બોર્ડર ટેરરિઝમનો છે અને એનઆઇએના અધિકારી આ કેસની તપાસમાં સહયોગ કરશે.

હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે થશે. NIA પણ તપાસમાં સામેલ થશે.

સુપ્રીમ કોર્ટમાં જયારે સુનાવણી શરૂ થઈ ત્યારે અરજદાર મનિન્દર સિંહે સૌથી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે આ કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, પરંતુ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ એકટનો છે. મનિન્દર સિંહે કહ્યું કે પીએમ પોતે ઈચ્છે તો પણ તેમની સુરક્ષા હટાવી શકતા નથી. અરજદારે કહ્યું કે રાજય સરકાર આ મામલે તપાસ કરી શકે નહીં.

અરજદાર વતી વધુમાં કહેવામાં આવ્યું હતું કે મામલાની ગંભીરતાને સમજીને પીએમની મુલાકાત સાથે સંબંધિત દસ્તાવેજો NIAની મદદથી જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવે. તેમણે કહ્યું કે તમામ પુરાવા સુરક્ષિત કર્યા પછી જ તપાસ થવી જોઈએ. કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તપાસ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેનેડાના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસની પણ ચર્ચા થઈ છે. કેન્દ્ર વતી એસજી તુષાર મહેતાએ એમ પણ કહ્યું હતું કે રાજય સરકાર પીએમની સુરક્ષામાં ક્ષતિની તપાસ કરી શકે નહીં, જેમાં રાજય સરકાર અને પોલીસ પ્રશાસન બંને જવાબદાર છે. તપાસમાં NIAનું હોવું પણ જરૂરી હોવાનું કહેવાયું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પંજાબના ગૃહ સચિવ પોતે તપાસ અને શંકાના દાયરામાં છે, તો તે તપાસ ટીમનો ભાગ કેવી રીતે બની શકે? પંજાબ પોલીસની વધુ પૂછપરછ કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે તે પોતે પણ દેખાવકારો સાથે ચા પીતો હતો.

પંજાબ તરફથી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ જનરલે કહ્યું કે ઘટનાના થોડા કલાકોમાં જ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે જયારે કેન્દ્ર અમારા દ્વારા રચાયેલી તપાસ સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યું છે ત્યારે અમને કેન્દ્રની સમિતિ સામે પણ વાંધો છે. પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ કહ્યું કે અમે ઘટના બાદ તરત જ એફઆઈઆર નોંધી, તપાસ સમિતિ બનાવી, તેમ છતાં કેન્દ્ર અમારા ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યું છે.

સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે (કેન્દ્ર અને રાજય) બંનેને સાંભળ્યા છે. કેન્દ્રને રાજય સરકારના તપાસ પંચ સામે અને કેન્દ્રને રાજયની ટીમ સામે વાંધો છે. કોર્ટે પૂછ્યું કે શું તમે લોકો સામાન્ય તપાસ સમિતિ કે કમિશન બનાવી શકો છો? કોર્ટે પૂછ્યું કે રાજય સમિતિમાં શું વાંધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કેસ સંબંધિત તમામ રેકોર્ડ રજિસ્ટ્રાર જનરલ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસે રાખવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોમવારની સુનાવણી પૂર્ણ થાય અને આગળના આદેશો ન આવે ત્યાં સુધી કોઈ પણ સરકાર તેની તપાસના આધારે કોઈ અધિકારી વિરુદ્ઘ કાર્યવાહી કરશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એ સૂચનને સ્વીકાર્યું છે જેમાં તપાસ એજન્સી NIAના ટોચના અધિકારીને પણ તપાસમાં સામેલ કરવામાં આવે. CJIએ કહ્યું કે NIAએ પણ તપાસમાં યોગ્ય સહકાર આપવો જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ગુરુવારે આ મામલાને લગતી જનહિત અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આવી સુરક્ષામાં ક્ષતિ સ્વીકારી શકાય નહીં. અરજીમાં વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે પંજાબ સરકારને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય નિર્દેશ આપવાની માંગ કરી છે. ભવિષ્યમાં આવી ક્ષતિ નહીં થાય તેવું કહેવામાં આવ્યું છે.

(4:58 pm IST)