Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જેટલા તિરંગા તમે તમારી પાર્ટીએ, સંઘે જીવનમાં નહીં ફરકાવ્યા હોય, તેટલા તિરંગા અમારા પંજાબના સપૂતના પાર્થિવ દેહ ઉપર લપેટવામાં આવ્યા છે, તમારા જીવને ખતરો છે તેમ કહેવુ ઍક નાટકઃ નવજાતસિંહ સિદ્ધુની તડાફડી

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષે કેન્દ્રીય સંસ્થાઓની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મુદ્દે નિવેદન આપ્યું છે.

સિદ્ધુએ RAW, IB અને વડાપ્રધાનની સુરક્ષાની કાળજી લેવા માટે જવાબદાર અન્ય કેન્દ્રીય સંસ્થાઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે, શું વડાપ્રધાનની સુરક્ષા માત્ર પંજાબની પોલીસ સુધી સીમિત છે. શું તેમાં IB, RAW અને બધી કેન્દ્રીય એજન્સીઓ છે હું કોનું નામ લઉં. હજારો લોકો તેમાં રોકાયેલા છે.

આ પછી તેમણે કહ્યું, “તમે માત્ર ભારતીય જનતા પાર્ટીના નહીં પરંતુ બધાના વડાપ્રધાન છો. આ દેશનું દરેક બાળક તમારા જીવનની કિંમત જાણે છે. તમે તમારા જીવને ખતરો છે તેવું કહીને આ રાજ્યનું અને તેની પંજાબિયતનું અપમાન કરી રહ્યા છો.

જેટલા તિરંગા તમે, તમારી પાર્ટીએ, સંઘે જીવનમાં નહીં ફરકાવ્યા હોય, તેટલા તિરંગા અમારા પંજાબના સપૂતોની લાશો પર લપેટવામાં આવે છે. એવામાં તેવું કહવું કે અહીં તમારા જીવને ખતરો છે, તે એક સ્વાંગ છે. આ એક નાટક છે.

હું તે માનું છુ કે સ્પષ્ટ રીતે પોતાના અપમાનને બચાવવાની એક કોશિશ છે. કેમ કે ઈતિહાસમાં આજ સુધી એવું નથી થયું કે 70 હજાર ખુરસીઓ પર બેસેલા 500 લોકોને હિન્દુસ્તાનનો વડાપ્રધાન સંબોધિત કરે. એક પૂર્વ મુખ્યમંત્રી શરમ અનુભવી શકે છે કે તે ખાલી ખુરશીઓને સંબોધિત કરી રહ્યો છે.

બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવા જઈ રહેલા પીએમ મોદીના કાફલાને ફ્લાયઓવર પર 10-15 મિનિટ રોકાવું પડ્યું હતું. કારણ કે ખેડૂત પ્રદર્શનો રસ્તા પર આવી ગયા હતા. જોકે, એનડીટીવીના એક રિપોર્ટ પ્રમાણે પંજાબમાં પહેલાથી જ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં હતા. જે રસ્તે વડાપ્રધાન જવાના હતા તે રસ્તા ઉપર પણ વિરોધ પ્રદર્શન પહેલાથી ચાલી જ રહ્યાં હતા.

જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ રહી છે અને તેના કારણે તેઓ ફિરોઝપુરની રેલીમાં ભાગ લઈ શક્યા નથી. પરંતુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું હતું કે પીએમની મુલાકાત છેલ્લી ઘડીએ બદલાઈ ગઈ હતી, જેના કારણે આવું થયું અને સુરક્ષામાં કોઈ ખામી નહોતી.

(5:08 pm IST)