Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કેન્સર ઈન્સ્ટિટ્યૂટનું મેં પહેલાં જ ઉદ્યાટન કર્યું હતું : મમતા બેનરજી

પીએમ મોદીએ કેન્સર ઈન્સ્ટી.ના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું : પહેલા સ્વાસ્થ્ય સુવિધા બહુ ખરાબ હતી, અમે મહિલાઓ, બાળકો માટે હોસ્પિટલો-આઈસીયુ બનાવ્યા : મમતા બેનરજી

કોલકાતા, તા.૭ : પીએમ મોદીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ વિડિયો કોન્ફરન્સિંગ થકી ઉદઘાટન કર્યુ છે તો તેની સામે રાજ્યના સીએમ મમતા બેનરજીએ નારાજગી વ્યક્ત કરી છે.

મમતા બેનરજી કાર્યક્રમમાં તો સામેલ થયા હતા પણ તેમણે દાવો કર્યો હતો કે, પીએમ મોદી જે કેમ્પસનુ ઉદઘાટન કરી રહ્યા છે તેનુ હું પહેલા જ ઉદઘાટન કરી ચુકી છું. મમતાએ સૌથી પહેલા કાર્યક્રમના એક્નર સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, તમે મારુ ટાઈટલ ભુલી ગયા છો અથવા તો નર્વસ થઈ ગયા છે.હું કોલકાતાનો કાર્યક્રમ હોવાથી અને પીએમ મોદી રસ દાખવી રહ્યા હોવાથી તેમાં સામેલ થઈ છું પણ હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે, આ કેમ્પસનુ ઉદઘાટન હું પહેલાજ કરી દીધુ છે.કોરોનામાં અમને તેની જરુર હતી.તેને કોરોના સેન્ટર બનાવ્યુ હતુ. મમતાએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકારે કેન્સર હોસ્પિટલ માટેનુ ૨૫ ટકા બજેટ આપ્યુ છે.૧૧ એકર જમીન રાજ્ય સરકારે આપી છે.જ્યારે જનતાના હિતની વાત આવે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે ભેગા થઈને કામ કરવુ જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની જાણકારી માટે હું કહું છું કે, અમારી સરકાર આવતા પહેલા સ્વાસ્થ્ય સુવિધાઓ બહુ ખરાબ હતી.અમે અહીંયા મહિલાઓ, બાળકો માટે હોસ્પિટલો અને આઈસીયુ બનાવ્યા છે.રાજ્યમાં આરોગ્ય સુવિધા પહોંચાડવી મુશ્કેલ હોવા છતા બધાને ધ્યાનમાં રાખીને અમે કામ કર્યુ છે.

મમતાએ અપીલ કરી હતી કે, સરકાર મેડિકલમાં બેઠકોનો ક્વોટા વધારે.કોરોનામાં એક એક હોસ્પિટલમાં ૭૫-૭૫ ડોકટરો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે કોરોનામાં સારવાર કરવી મુશ્કેલ બની રહી છે.અમને કોરોના વેક્સીનની જરુર છે, પીએમ બૂસ્ટર ડોઝની વાત કરે છે પણ હજી અમને બીજા ડોઝનો ૪૪ ટકા જથ્થો પણ મળ્યો નથી.

(7:37 pm IST)