Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બોગસ વીડિયો ફિલ્મોના કલાકારોનો ઉપયોગ કરીને ચીને બનાવ્યો હતો

ગલવાનમાં ચીનના ધ્વજ સાથેનો વીડિયો વાયરલ થયો હતો : ચાર કલાકની મથામણ બાદ વિડિયો બનાવાયો હતો,જેમાં ચીનના કલાકાર વૂ જાંગ અને તેમના પત્ની નજરે પડે છે

બીજિંગ, તા.૭ : ગલવાન ખીણમાં પોતાના સૈનિકો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહ્યા હોય તેવો વિડિયો ચીન દ્વારા વાયરલ કરાયો હતો. જોકે ચીનના અપપ્રચાર બાદ ભારતે જ ગલવાન ખીણમાં તિરંગો ફરકાવતા સૈનિકોની તસવીરો જાહેર કરીને ચીનની પોલ ખોલી નાંખી હતી.હવે ચીને વાયરલ કરેલા બોગસ વિડિયોને લઈને એક આંતરરાષ્ટ્રીય વેબ પોર્ટલે દાવો કર્યો છે કે, ચીન દ્વારા ગલવાન ખીણનો વિડિયો બનાવવા માટે ચીની ફિલ્મોના કલાકારોનો ઉપયોગ કરાયો હતો.ગલવાન નદીથી ૨૮ કિમી દુર અક્સાઈ ચીન વિસ્તારમાં ચાર કલાકની મથામણ બાદ આ વિડિયો બનાવાયો હતો.જેમાં ચીનના ફિલ્મ કલાકાર વૂ જાંગ અને તેમના પત્ની શી નાન પણ નજરે પડે છે.

પોર્ટલનુ કહેવુ છે કે, વુ જાંગ ચીની ફિલ્મોના જાણીતા કલાકાર છે અને ઘણી ફિલ્મોમાં તેમણે ચીનના સૈનિક તરીકેનો રોલ પણ ભજવ્યો છે.જેમાં બેટલ એટ લેક ચાંગજિન પણ સામેલ છે.જે ચીનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મો પૈકી ની એક ગણાય છે.તેમની પત્ની ચીનના ટીવી કાર્યક્રમની હોસ્ટ છે.

ચીન નાગરિકો પૈકીના કેટલાકે આ વિડિયોમાં એકટરો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.એ પછી વિવાદ વધતા આ યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે.

ચીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ વીવોના કેટલાક યુઝર્સે કહ્યુ હતુ કે, ૨૪ ડિસેમ્બરે વૂ જાંગ અને કેટલાક જુનિયર એકટર્સ અક્સાઈ ચીનના લોકેશન પર વિડિયો શૂટ કરવા માટે ગયા હતા.એ પછી આ વિડિયો ગ્લોબલ ટાઈમ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ચીનના અપપ્રચારમાં જોકે ભારતના વિપક્ષી નેતાઓ આવી ગયા હતા અને તેમણે કેન્દ્ર સરકાર પર વિડિયોને લઈને નિશાન સાધ્યુ હતુ.

(7:40 pm IST)