Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગંગા ઘાટ પર બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિતના પોસ્ટર્સ લાગ્યા

વારાણસીના ગંગા ઘાટો પર પોસ્ટર લાગતા વિવાદ : વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ તરફથી પોસ્ટર્સ લગાવાયા

વારાણસી, તા.૭ : વારાણસીના ગંગા ઘાટો અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પ્રશાસન તરફથી નહીં પરંતુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ તરફથી લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેના પર લખ્યું છે કે, જે લોકોની આસ્થા સનાતન ધર્મમાં છે તેમનું સ્વાગત છે, નહીં તો આ પિકનિક સ્પોટ નથી.  આ કોઈ પહેલો કેસ નથી જ્યારે કાશીમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું હોય. અગાઉ ૨૫ ડિસેમ્બરના રોજ ચર્ચની બહાર હનુમાન ચાલીસાનો પાઠ, બાદમાં ૧ જાન્યુઆરીના રોજ વારાણસીના મોલ અને રેસ્ટોરાની બહાર પશ્ચિમી સંસ્કૃતિ સાથે જોડાયેલી પાર્ટીને સેલિબ્રેટ ન કરવાની ચેતવણીવાળા પોસ્ટર પણ લગાવી ચુક્યા છે.

હિંદુ સંગઠનોના કાર્યકરોએ આ વખતે બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધવાળા ચેતવણી પોસ્ટર ગંગા ઘાટ કિનારે પાક્કા ઘાટો અને ધાર્મિક સ્થળોની દીવાલો પર લગાવી દીધા છે. આ પોસ્ટર્સ પર સ્પષ્ટ લખ્યું છે કે, જે લોકો સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે તેમનું સ્વાગત છે નહીં તો અન્યનો પ્રવેશ પ્રતિબંધિત છે.

પોસ્ટર લગાવનારા અને જાહેર કરનારા વિશ્વ હિંદુ પરિષદના કાશી મહાનગરના મંત્રી રાજન ગુપ્તાએ જણાવ્યું કે, બિનસનાતન ધર્મ માટે લગાવવામાં આવી રહેલા આ પોસ્ટર્સ માત્ર પોસ્ટર નહીં પણ એક ચેતવણીવાળો સંદેશ પણ છે.

રાજન ગુપ્તાએ જણાવ્યું કે, 'ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાના પ્રતીક છે. અમે આ ચેતવણી આપવા માગીએ છીએ કે, બિનસનાતની અમારા સનાતન ધર્મના ધાર્મિક સ્થળોથી દૂર રહે કારણ કે, આ કોઈ પિકનિક સ્પોટ નથી. જે લોકો સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે તેમનું અમે સ્વાગત કરીશું બાકી તો અમે તેમને ભગાડવાનું કામ પણ કરીશું.'

આ તરફ બજરંગ દળના કાશી મહાનગરના સંયોજક નિખિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ પોસ્ટર નહીં પણ એવા લોકો માટે ચેતવણી છે જે અમારી માતા ગંગાને એક પિકનિક સ્પોટ તરીકે માને છે. પોસ્ટરના માધ્યમથી એવી ચેતવણી આપવામાં આવી છે કે, આવા લોકો અમારા ધાર્મિક સ્થળોથી દૂર રહે નહીં તો બજરંગ દળ તેમને દૂર કરશે. 

(7:40 pm IST)