Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

અધિકારીઓ સામે એસપીજી એક્ટ હેઠળ કાર્યવાહીના સંકેત

વડાપ્રધાનની પંજાબમાં સુરક્ષાને લઈને થયેલી ચૂક ચર્ચામાં : કેન્દ્ર સરકાર અધિકારીઓને દિલ્હી બોલાવી શકે છે અથવા તેમના વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરી શકે

નવી દિલ્હી, તા.૭ : અત્યારે દેશભરમાં સૌથી વધારે ચર્ચા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની થઈ રહી છે. આ ઘટનાને કારણે રાજકારણ પણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ વડાપ્રધાન પંજાબમાં આયોજિત એક રેલીને સંબોધવા માટે જઈ રહ્યા હતા. તેમણે પોતાના કાફલા સાથે એક ફ્લાયઓવર વર લગભગ ૨૦ મિનિટ સુધી રાહ જોઈને ઉભા રહેવુ પડ્યુ હતું. આ ઘટના પછી પંજાબ સરકાર અને ત્યાંના અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાની કાયદાકીય તપાસ કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારના રોજ થશે. કેન્દ્ર સરકાર તરફથી તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ દરમિયાન હવે જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર પંજાબના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. આટલુ જ નહીં, પંજાબ પોલીસના અમુક અધિકારીઓ સામે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા બાબતે વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બઠિંડા એરપોર્ટથી હુસૈની વાલા શહીદ સ્મારક પાર્ક તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એક ફ્લાયઓવર પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. આ સ્થિતિમાં વડાપ્રધાનના કાફલાએ લગભગ ૨૦ મિનિટ સુધી ત્યાં ઉભા રહેવુ પડ્યુ હતું. વડાપ્રધાનની સુરક્ષાના સંદર્ભમાં આ ઘટનાને પંજાબ સરકાર અને તેમના ઉચ્ચ અધિકારીઓની મોટી લાપરવાહી માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે રિપોર્ટની માંગ કરી છે.

પંજાબ સરકારે આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, પરંતુ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં જણાઈ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી અધિકારીઓ  પર એસપીજી એક્ટની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્ર સરકાર તેમને દિલ્હી બોલાવી શકે છે અથવા તેમના વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરી શકે છે. એક સરકારી સૂત્રના અનુસાર, પંજાબમાં બુધવારે જે થયું તે એસપીજી એક્ટનું ઉલ્લંઘન છે. કારણકે રાજ્ય સરકાર વડાપ્રધાનની અવરજવર માટે એસપીજી તરફથી નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળ રહી. અત્યારે વિચારણા ચાલી રહી છે, કાર્યવાહી ચોક્કસપણે થશે.

એસપીજી એક્ટની કલ ૧૪માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનની અવરજવર સમયે સાથે ચાલી રહેલા એસપીજીની મદદની જવાબદારી રાજ્ય સરકારની છે. સમૂહની મદદ મથાળા વાળી આ કલમ કહે છે કે, કેન્દ્ર અથવા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રત્યેક મંત્રાલય અને વિભાગ, પ્રત્યેક મિશન, પ્રત્યેક સ્થાનિક અથવા અન્ય ઓથોરિટી અથવા પ્રત્યેક સિવિલ અથવા મિલિટ્રી ઓથોરિટીની જવાબદારી છે કે તેમને આમંત્રણ મળે તો ડાયરેક્ટર અથવા અન્ય કોઈ સભ્યને પોતાની જવાબદારીનું પાલન કરવામાં મદદ કરે. એસપીજી પ્રોટોકોલ અંતર્ગત વડાપ્રધાન જ્યારે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત માટે જાય છે, ત્યાંના ચીફ સેક્રેટરી અને ડીજીપી કાફલામાં સામેલ થાય છે. પરંતુ પંજાબ પ્રવાસ દરમિયાન આ બન્ને લોકો વડાપ્રધાનના કાફલા સાથે નહોતા. સુરક્ષા ચૂકના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં આ એક મોટો વિષય છે. આ જ કારણોસર એવી દલીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન એક પૂર્વઆયોજિત કાર્યક્રમ હતું. માટે શક્ય છે કે પંજાબના આ બે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ડિસેમ્બર ૨૦૨૦માં હુમલો કર્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે નડ્ડાની સુરક્ષા માટે જવાબદાર ત્રણ આઈપીએસ અધિકારીઓને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવી લીધા હતા. તે સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઉથ બંગાલ રેન્જના આઈજી રાજીવ મિશ્રા, પ્રેસિડન્સી રેન્જના ડીઆઈજી પ્રવીણ ત્રિપાઠી અને ૨૪ નોર્થ પરગનાના એસપી ભોલાના પાંડેયને ડેપ્યુટેશન પર દિલ્હી આવવાનો આદેશ આપ્યો હતો. જો કે, પશ્ચિમ બંગાળની સરકારે ત્રણેય અધિકારીઓને રીલિઝ નહોતા કર્યા અને તેમાંથી કોઈ દિલ્હી નહોતુ ગયું.

(7:41 pm IST)