Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભારતે વેક્સિનના ૧૫૦ કરોડ ડોઝ આપીને ઈતિહાસ સર્જ્યો

વડાપ્રધાને કોરોના પર માહિતી આપી

નવી દિલ્હી, તા.૭ : પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર પણ વાત કરી હતી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના ૧૫૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કોરોના એ છેલ્લા ૧૦૦ વર્ષમાં દુનિયાએ જોયેલો સૌથી મોટો રોગચાળો છે.

તેમણે કહ્યુ હતુ કે, નવા વર્ષની શરુઆત દેશમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોના વેક્સીનેશનથી કરવામાં આવી છે.આ સાથે જ આ વર્ષના પહેલા મહિનાના પહેલા સપ્તાહમાં જ ૧૫૦ કરોડ ડોઝ વેક્સીનના આપીને ભારતે ઈતિહાસ રચ્યો છે.

તેમણે આ માટે દેશના વૈજ્ઞાનિકો, વેક્સીન ઉત્પાદકો અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો.એ પછી તેમણે કહ્યુ હતુ કે, સરકાર દ્વારા બંગાળને અત્યાર સુધીમાં વેક્સીનના ૧૧ કરોડ ડોઝ ઉપલ્બધ કરાવાયા છે.બંગાળને દોઢ હજારથી વધારે વેન્ટિલેટર પૂરા પડાયા છે.૪૯ નવા ઓક્સિજન પ્લાન્ટ પણ રાજ્યમાં કેન્દ્ર તરફથી કાર્યરત છે.

(7:42 pm IST)