Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પંદર મિનિટના ઈંતજારથી પીએમ પરેશાન, ખેડૂતોએ વર્ષ પ્રદર્શન કર્યું

મોદીની સુરક્ષામાં ચૂકના આરોપો પર સિધ્ધુના પ્રહાર : ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો કરનાર મોદીએ ખેડૂતો પાસે જે કઈ બચ્યું હતું તે પણ છીનવી લીધું : કોંગ્રેસ

નવી દિલ્હી, તા.૭ : પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના આરોપોનો જવાબ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુએ ફરી આપ્યો છે.

સિધ્ધુનુ કહેવુ છે કે, પીએમ મોદી પંદર મિનિટ ટ્રાફિક જામમાં રાહ જોવા પડી તો પરેશાન થઈ ગયા હતા.જ્યારે ખેડૂતો તો કેન્દ્રના કૃષિ કાયદા સામે એક વર્ષ સુધી પ્રદર્શન કરતા રહ્યા હતા.

સિધ્ધુએ કહ્યુ હતુ કે, પીએમ સાહેબ હું તમને કહેવા માંગુ છું કે, અમારા ખેડૂત ભાઈઓ દિલ્હીની સીમા પર એક વર્ષ કરતા વધારે સમય માટે બેસી રહ્યા હતા.તમને પંદર મિનિટ રાહ જોવામાં પણ હેરાનગતિ થઈ ગઈ હતી.

સિધ્ધુએ આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો કરનાર પીએમ મોદીએ ખેડૂતો પાસે જે કઈ બચ્યુ હતુ તે પણ છીનવી લીધુ છે.

આ પહેલા પણ સિધ્ધુએ ગઈકાલે કહ્યુ હતુ કે, પીએમ મોદીની રેલીમાં બધી ખુરશીઓ ખાલી હતી અને લોકોનુ ધ્યાન બીજે દોરવા માટે સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે.

(7:42 pm IST)