Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પાંચ વર્ષમાં ૬૦૦૦૦ સ્ટાર્ટ અપથી ૬.૫ લાખને નોકરી

૨૦૧૬થી સ્ટાર્ટઅપને પ્રોત્સાહનના પરિણામો દેખાયા : ચાર વર્ષમાં બીજા ૫૦૦૦૦ સ્ટાર્ટ અપ રજિસ્ટર કરવાની તૈયારી, વધુ ૨૦ લાખ નોકરીઓ પેદા થવાની આશા

નવી દિલ્હી, તા.૭ : કેન્દ્ર સરકારે ૨૦૧૬થી સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે ભારત સરકારમાં રજિસ્ટર્ડ થયેલા સ્ટાર્ટ અપ્સ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૬.૫ લાખ લોકોને નોકરી આપવામાં આવી છે.અત્યાર સુધીમાં ૬૦૦૦૦ સ્ટાર્ટ અપને માન્યતા અપાઈ ચુકી છે.

તેમાંથી દરેક સ્ટાર્ટ અપે સરેરાશ ૧૧ નોકરીની તકો ઉત્પન્ન કરી છે.સ્ટાર્ટ અપની પહેલના કારણે હવે લોકો નોકરી આપવાની સ્થિતિમાં છે. સરકારનુ કહેવુ છે કે, આગામી ચાર વર્ષમાં બીજા ૫૦૦૦૦ સ્ટાર્ટ અપ રજિસ્ટર કરવાની તૈયારી થઈ રહી છે.આ દરમિયાન આ ક્ષેત્રમાં વધુ ૨૦ લાખ નોકરીઓ પેદા થવાની આશા છે. સરકારની પોલીસી પ્રમાણે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ અપને સતત ત્રણ વર્ષ માટે ઈનકમ ટેક્સ અને કેપિટલ ગેન ટેક્સમાં છુટ આપવામાં આવે છે અને પેટન્ટની માન્યતા માટે ફાસ્ટ ટ્રેક કાર્યવાહી કરી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, સ્ટાર્ટ અપમાં ૪૫ ટકા સ્ટાર્ટઅપની કમાન મહિલાઓના હાથમાં છે.

(7:43 pm IST)