Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેવું ચૂકવવા અપહરણનું નાટક કરનાર પતિનો પત્નીએ ભાંડો ફોડ્યો

મુસિબતમાંથી નીકળવા ખોટો રસ્તો અપનાવતા ઝડપાયો : બે લાખ માટે પોતાના અપહરણનું નાટક કરનારાની પત્નીએ પોલીસ ફરિયાદ લખાવતા પતિનો ખેલ બગડ્યો

ગુરુગ્રામ, તા.૭ : પોતાની તકલીફ અને મુશ્કેલીને દૂર કરવા માટે કેટલાક લોકો પોતાના જ પરિવારનને નિશાન બનાવતા હોય છે, આવી જ એક ઘટના બની છે કે જેમાં યુવકે પોતાના પર ચઢી ગયેલા દેવાને પૂરું કરવા માટે તેની વાઈફને ટાર્ગેટ બનાવી હતી. પતિએ પોતાનું અપહરણ થયું હોવાની બનાવટી વાત ઉભી કરીને પત્ની પાસે ૨ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, આમ કરનારા યુવકનો ભાંડો ફૂટી ગયો અને તેની ચોરી પકડાઈ ગઈ છે.  પતિએ પોતાનું અપહરણ થયું હોવાનો નકલી પ્લાન બનાવીને પત્ની પાસે ૨ લાખ રૂપિયા માગવા મોંઘા પડ્યા છે, કારણ કે પતિએ બનાવેલા કૂંડાળામાં તેનો પોતાનો જ પગ પડી ગયો હતો. સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકો આ પ્રકારના કિસ્સામાં પોલીસને ફરિયાદ કરતા ડરતા હોય છે પરંતુ અહીં પત્ની બહાદૂર નીકળી અને તેણે પતિની મદદ માટે પોલીસને ફરિયાદ કરી દીધી હતી. પછી શું પતિનો આખો ભાંડો ફૂટી ગયો હતો. કેસની વિગતો એવી છે કે, ગુરુગ્રામમાં આવેલા રાજીવનગરની રહેવાસી દીપિકાએ સેક્ટર-૨૯ને ૨ જાન્યુઆરીના રોજ પતિના કિડનેપ થવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પતિની ઓળખ અનૂપ યાદવ તરીકે થઈ છે, પ્લાન પ્રમાણે પતિએ પોતાનું અપહરણ સીટિ ક્લબ પાસેથી થયું હોવાનું પત્નીને જણાવ્યું હતું. આ પછી પત્નીએ ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું કે, કિડનેપર તેની પાસે પતિને છોડાવવા માટે રૂપિયા ૨ લાખની માગણી કરી રહ્યા છે. હિંમતવાળી પત્નીએ કિડનેપરથી ડર્યા વગર કરેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસને અનૂપનું લોકેશન માનેસરમાં હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી પતિની આઈએમટી માનેશ્વર ચોકથી ધરપકડ કરી લીધી હતી.

પકડયેલા પતિની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તેણે કેટલાક લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. જેના કારણે રૂપિયા ચૂકવવા માટે તેણે પોતાના જ કિડનેપિંગનો નકલી પ્લાન બનાવી નાખ્યો હતો. કારણ લેણદારો તેના પર રૂપિયા ચૂકવવા માટે સતત દબાણ કરી રહ્યા અને તેનાથી રૂપિયાની વ્યવસ્થા થઈ રહી નહોતી.

પોલીસે જણાવ્યું કે, પતિને એવું લાગતું હતું કે તેને અપહરણના નાટકના બદલામાં ૨ લાખ રૂપિયા મળી જશે અને તે પોતાનું દેવું ચૂકતે કરી શકશે. તેને એવું જરાય નહોતું લાગતું કે તેની પત્ની પોલીસ પાસે પહોંચી જશે.

(7:46 pm IST)