Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ચૂંટણીની ગરજ પૂરી થતાં જ કોરડો વીંઝવાનું શરૂ

સરકાર-ઓઇલ કંપનીઓ પ્રજાને લુંટવા બેઠી છે : અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ રૂ.

રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આજે પેટ્રોલ ૧૦૨ રૂપિયાથી આગળ વધી ગયું છે, જ્યારે મધ્યપ્રદેશના અનુપુરમાં તે ૧૦૨ રૂપિયાથી ૧૪ પૈસા પાછળ છે

નવી દિલ્હી,તા. ૭: દેશમાં એક તરફ કોરોનાવાયરસનાં કારણે હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ મોઘવારીનો સાપ હવે સતત ડંખ મારી રહ્યો છે. પાંચ રાજયોમાં ચૂંટણી પુરી થવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાનું ચાલુ થઇ ગયુ છે. આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. આ ભાવ વધારો સામાન્ય માણસનાં જીવનને ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે.

હવે પેટ્રોલનાં ભાવ ૧૦૦ ને પાર પહોંચી ગયા છે. થોડા દિવસો પહેલા સામે આવ્યુ હતુ કે, રાજસ્થાનમાં પેટ્રોલ ૧૦૦ ને પાર પહોંચી ગયુ હતુ. ત્યારે હવે આજે રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આજે પેટ્રોલ ૧૦૨ રૂપિયાથી આગળ વધી ગયું છે, જયારે મધ્યપ્રદેશનાં અનુપુરમાં તે ૧૦૨ રૂપિયાથી ૧૪ પૈસા પાછળ છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૨૮ પૈસા ઉછળીને ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે, જયારે ડીઝલ ૩૧ પૈસા ઉછળીને ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ ૯૦ પૈસા મોંદ્યુ થઈ ગયું છે, ચાર દિવસમાં ડીઝલ ૧૦૦ પૈસા મોઘુ થઈ ગયું છે અથવા લિટર દીઠ એક રૂપિયો કહી શકાય.  છેલ્લા બે મહિનાથી દેશનાં ઘણા રાજયોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. તેથી, ગયા મહિને ક્રૂડ ઓઈલ મોંદ્યુ થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો. ફેબ્રુઆરીમાં ક્રૂડતેલની કિંમત પ્રતિ બેરલ ૬૧ ડોલર હતી, જે માર્ચમાં ૭૩ ડોલર પર આવી હતી. અત્યારે તે ૬૯ ડોલરની નજીક વેચાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ૨ થી ૩ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એકસાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એકસાઈઝ ડ્યુટી અને રાજય સરકારોનાં વેટને દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે ૨૭ રૂપિયા પ્રતિ લીટર થઈ જશે, પરંતુ કેન્દ્ર કે રાજય સરકાર બંને કોઈ પણ કિંમત પર વેરો દૂર કરી શકતા નથી. સરકારને પણ ખબર છે કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાં વૃદ્ઘિ તરફ દોરી જાય છે. જે કેટલો થઇ રહ્યો છે તમામ લોકોની સમક્ષ છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવને આધારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં સુધારો કરે છે.

(11:04 am IST)