Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાઃ દર કલાકે ૧૫૦ મોતઃ ૧૦ દિ'માં મરણાંક ૩૬૧૧૦

ભારતમાં કોરોનાની બીજી લહેર કોહરામ મચાવી રહી છેઃ જે રીતે આંકડા વધે છે તે રીતે સમગ્ર વિશ્વમાં રેકોર્ડ સર્જી રહ્યા છેઃ સર્વત્ર ચિંતાના ઘોડાપુર : ૨૪ કલાકમાં ૪૧૪૧૮૮ નવા કેસઃ ૩૯૧૫ના મોતઃ કુલ કેસ ૨૧૪૯૧૫૯૮: કુલ મૃત્યુઆંક ૨૩૪૦૮૩: ૧૬ રાજ્યોમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૭ :. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. રોજ સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે. કોરોનાની કેટલી સ્પીડ છે ? તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે સતત બીજા દિવસે નવા દર્દીઓની સંખ્યાએ ૪ લાખના આંકડાને પાર કરી દીધો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪.૧૪ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૩૯૧૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના કારણે મોતની સંખ્યા ૩૦૦૦૦ને પાર કરી ગઈ છે. ૧૦ દિવસમાં જ ૩૬૧૧૦ લોકોના મોત થયા છે. આ આંકડા અનુસાર દેશમાં દર કલાકે કોરોનાથી ૧૫૦ દર્દીઓના મોત થયા છે. ભારતમાં જેટલી ઝડપથી મોતનો આંકડો વધી રહ્યો છે તે એક દિવસમાં કોઈપણ દેશમાં આવેલા આંકડામાં સૌથી વધુ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં પાછલા ૧૦ દિવસમાં ૩૪૭૯૮ લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં ૩૨૬૯૨, મેકસીકોમાં ૧૩૮૯૭ અને બ્રીટનમાં ૧૩૨૬૬ લોકોના મોત થયા છે. ભારતમાં બીજી લહેરે કાળોકેર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૪૧૪૧૮૮ કેસ સામે આવ્યા છે અને ૩૯૧૫ લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસનો આંકડો ૨૧૪૯૧૫૯૮નો થયો છે અને કુલ મૃત્યુઆંક ૨૩૪૦૮૩નો થયો છે. ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૭ ઓગષ્ટે ૨૦ લાખ હતા તે પછી ૨૩ ઓગષ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટે. ૪૦ લાખ અને ૧૬ સપ્ટે. ૫૦ લાખનો આંકડો પાર કરી ગયા હતા. ૧૯ ડીસે. ૧ કરોડથી વધુ કેસ થઈ ગયા હતા. જ્યારે ૧૯ એપ્રિલે દોઢ કરોડનો આંકડો પાર કરી ગયો હતો.

ભારતમાં ૧૬ રાજ્યો ચિંતા જગાવી રહ્યા છે. આમાથી ૧૦ રાજ્યોમાં સંક્રમણનો દર ૨૫ ટકા છે.

(11:05 am IST)