Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દેશમાં બે માસ બાદ કોરોનાના સૌથી ઓછા નવા કેસ નોંધાયા

નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો : દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૪૪૬૦ દર્દી નોંધાયા : એક દિવસમાં ૨૬૭૭ દર્દીએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, તા. ૬ : દેશભરમાં હવે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧.૧૪ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૨૬૭૭ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ શનિવારે બહાર પડેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના નવા ૧.૨૦ લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૩૩૮૦ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૧૪,૪૬૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૮૮,૦૯,૩૩૯ થઈ છે. હાલ ૧૪,૭૭,૭૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૧,૮૯,૨૩૨ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં ૨,૬૯,૮૪,૭૮૧ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. મૃત્યુના આંકડામાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૬૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૩,૪૬,૭૫૯ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ ૨૩,૧૩,૨૨,૪૧૭ રસીના ડોઝ અપાયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૩ ટકાથી વધુ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી ૨૦,૩૬,૩૧૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩૬,૪૭,૪૬,૫૨૨ કોરોના ટેસ્ટ કરાયા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૯૬ કેસ નોંધાયા છે. જ્યારે ૩૦૦૪ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં ૧૫ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૮,૧૫,૩૮૬ પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૯૯૨૧ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

(12:00 am IST)