Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પાકિસ્‍તાનઃ બે ટ્રેનોની ટક્કરઃ ૩૦ના મોત

આજે વહેલી સવારે સિંધ પ્રાંતમાં બે ટ્રેનો સામસામી ભટકાણીઃ ૫૦થી વધુને ઈજા

ઈસ્‍લામાબાદ, તા. ૭ :. પાડોશી દેશ પાકિસ્‍તાનમા આજે વહેલી સવારે એક ભયાનક રેલ અકસ્‍માત થયો છે. સિંધ પ્રાંતના ડહારકીમા બે ટ્રેનો સામસામી ભટકાતા ૩૦થી લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ઘોટાકી જિલ્લાના ડહારકીમાં સવારે ૩.૪૫ કલાકે મિલ્લત એકસપ્રેસ અને સર સૈયદ એકસપ્રેસ સામસામી ટકરાઈ હતી. જેનાથી મિલ્લતના ૮ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી અનુસાર અત્‍યાર સુધીમાં ૩૦થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકોને ઈજા થઈ છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃત્‍યુઆંક વધી શકે છે.

મળતા અહેવાલો મુજબ રેલ્‍વે અકસ્‍માતના ૪ કલાક બાદ પણ અધિકારીઓ ઘટના સ્‍થળે નહોતા પહોંચ્‍યા. હજુ અનેક લોકો ટ્રેનની અંદર ફસાયેલા છે જેઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ માટે ડબ્‍બા કાપવામાં આવી રહ્યા છે.

આ ઘટનાની તપાસના આદેશો આપવામાં આવી રહ્યા છે.

(10:05 am IST)