Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ભગવાન જગન્નાથ આ વખતે નવા રથમાં દર્શન દેશે

૨૧ ફુટ ઉંચો રથ કુલ ર૮ ખંડો મળીને તૈયાર થશેઃ બે વર્ષથી થઇ રહયું છે આ રથનું નિર્માણ

ઉદેપુર, તા., ૭: કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે પ્રભુ જગન્નાથ સ્વામીની રથયાત્રા ગયા વર્ષે પણ નિકળી શકી ન હતી. આ વર્ષે પણ આવી જ સ્થિતિ  પ્રવર્તી રહી છે. જો કે જો રથયાત્રા નિકળશે તો ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થશે. છેલ્લા બે વર્ષથી નવા રથનું નિર્માણ ચાલી રહયું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્રભુ જગન્નાથ ચાંદીના રથમાં બિરાજીત થઇને નગરમાં ભકતોને દર્શન દેવા નિકળે છે. ૧૯૯પથી રથયાત્રાની શરૂઆત થઇ એ પહેલા પ્રભુને ચાંદીના રથમાં બિરાજમાન કરી મંદિર પરીસરમાં જ પરીક્રમા કરાવવામાં આવતી હતી.  આ પરંપરા ૩૬૮ વર્ષ જુની છે.

બે વર્ષથી નવા રથનું  નિર્માણકાર્ય ચાલી રહયું છે

શ્રી રથ સમીતીના અધ્યક્ષ રાજેન્દ્ર શ્રીમાળીએ જણાવ્યું કે પ્રભુ જગન્નાથ માટે નવા ચાંદીના રથનું નિર્માણ શરૂ કરવામાં આવ્યુ઼ છે. જે અંતિમ ચરણોમાં ચાલી રહયું છે. રથ નિર્માણનો ખર્ચ સમીતી અને ભકતોના સહયોગથી કરવામાં આવી રહયો છે. આ માટે ભકતોએ ચાંદીની ભેટો ધરી છે તો અસંખ્ય લોકોએ આર્થીક સહયોગ આપ્યો છે. ર૦-૩૦ કાર્યકર્તાઓ રાત-દિવસ આ કાર્યમાં જોડાયેલા છે. લાકડાના રથનું કામ અર્બુદા હેન્ડીક્રાફટ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે ચાંદી ચઢાવવાનું કામ જગદીશ મંદિરમાં થઇ રહયુ઼ છે.

રથની વિશેષતા

*૧૬ ફુટ લંબાઇ, ૮ ફુટ પહોળાઇ અને ર૧ ફુટ ઉંચાઇ

* લગભગ ૮પ કિલો ચાંદી ચઢાવાઇ.

* ર૮ ખંડોને જોડીને રથ તૈયાર કરાયો.

* રથની બંન્ને બાજુ અને પૈડાઓ ઉપર હંસ અને પાછળ સિંહના મુખ હશે.

* રથના પીલ્લરો હૈદરાબાદી નકાશીમાં બનાવાયા છે.

* રથના પૈડા ૬ ઇંચ અંદર લેવાયા છે. જેનાથી કોઇ દુર્ઘટના ઘટે નહી. સાથોસાથ હાઇડ્રોલીક બ્રેક પણ લગાવવામાં આવી છે. જેનાથી રથ રોકવામાં કોઇ તકલીફ ન પડે.

* આ વખતે રથમાં બિરાજીત પ્રભુના સન્મુખ દર્શન માટે ભકતોને પરેશાની નહિ થાય કારણ કે આ વખતે ઘોડાને નીચે  રખાયા છે. પહેલા ઘોડા બે પગો ઉપર ઉભા હતા જેને ૩ પગ પર ઉભા રખાયા છે.

(1:14 pm IST)