Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કેસો ઘટતા અમુક દવાઓ બંધઃ તાવ માટે એન્ટી પાઇરેટીક અને શર્દી માટે એન્ટીટયુસીવ દવા અપાશે

કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ જાહેર

નવી દિલ્હીઃ ભારતમાં હવે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ સતત ઓછા થઇ રહ્યા છે. મે મહિનામાં જ્યા રોજના ૪ લાખની આસપાસ નવા કેસ આવી રહ્યા હતા તો હવે આ સંખ્યા ઘટીને એક લાખની આસપાસ પહોચી ગઇ છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડિરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસેજે લક્ષણ વગર અથવા સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના દર્દીઓની સારવાર માટે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે, જેની હેઠળ એંટીપાઇરેટિક અને એંટીટ્યૂસિવને છોડીને અન્ય તમામ દવાઓ હટાવી દેવામાં આવી છે.

 સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ૨૭ મેએ જાહેર કરવામાં આવેલી સંશોધિત ગાઇડલાઇન્સ હેઠળ લક્ષણ વગર અને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે ડૉકટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોકસીકલોરોકવીન, આઇવરમેકિટન, ડોકસીસાઇકિલન, જિંક, મલ્ટીવિટામિન અને અન્ય દવાઓને બંધ કરી દીધી છે. હવે તેમણે માત્ર તાવ માટે એન્ટીપાઇરેટિક અને શરદીના લક્ષણ માટે એંટીટ્યૂસિવ આપવામાં આવશે.

 ગાઇડલાઇન્સમાં ડૉકટરોને દર્દીના બિન જરૂરી ટેસ્ટ બંધ કરવા માટે કહ્યુ છે. જેમાં સીટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટસિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાનું સૂચન આપ્યુ છે. સાથે જ જો કોઇ વ્યકિત કોરોના સંક્રમિત થાય છે તો તેને ફોન પર કંસલ્ટેશન લેવા અને પોષ્ટિક ભોજન ખાવાનું પણ સૂચન આપવામાં આવ્યુ છે.

 ગાઇડલાઇન્સમાં કોરોનાના દર્દી અને તેમના પરિવારજનોને એક બીજા પર ફોન અથવા વીડિયો કોલ દ્વારા સકારાત્મક વાતો કરવા અને એક બીજા સાથે જોડાયેલા રહેવાનું પણ સૂચન આપવામાં આવ્યુ છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે જે બિન લક્ષણી દર્દી છે. તેમના માટે કોઇ દવા જણાવવામાં આવી નથી.

(2:53 pm IST)