Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દિલ્હીની પ્રાઇવેટ સ્કૂલોને વાર્ષિક ફી વસુલવાની આઝાદી : સિંગલ જજના ચુકાદા વિરુદ્ધ સ્ટે આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર : આગામી મુદત વેકેશન પછી

ન્યુદિલ્હી : દિલ્હીની પ્રાઇવેટ સ્કૂલોને વાર્ષિક ફી વસુલવા સામે  સ્ટે આપવાનો હાઇકોર્ટએ ઇન્કાર કર્યો છે.

સિંગલ જજની બેન્ચે આપેલા ચુકાદા વિરુદ્ધ સ્ટુડન્ટ્સ તથા ડિરેક્ટરેટ ઓફ એજ્યુકેશન દ્વારા કરાયેલી અપીલની સુનાવણી દરમિયાન જસ્ટિસ રેખા પલ્લી અને ન્યાયમૂર્તિ અમિત બંસલની વેકેશન બેંચએ સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.

નામદાર કોર્ટે કહ્યું હતું કે આ કોઈ ટૂંકા ગાળાનું લોકડાઉન નથી. દિલ્હી સરકારે પ્રાઇવેટ સ્કૂલોને અમુક રકમ આપવી જોઈએ. સિંગલ જજે વાર્ષિક ફી અને વિકાસ ફી છ માસિક હપ્તામાં 10 જૂન 2021 થી ચૂકવવાનું સૂચન કર્યુ હતું

સિંગલ જજના ચુકાદા વિરુદ્ધ અપીલની સુનાવણી દરમિયાન ખંડપીઠે જૂન માસનો પહેલો હપ્તો ચૂકવી દેવા કહ્યું હતું. કારણકે સ્કૂલોએ ટેક્સ ચૂકવવાનો છે.

ડિરેક્ટર ઓફ એજ્યુકેશન વતી  ઉપસ્થિત વરિષ્ઠ વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે બસોનો ઉપયોગ થતો નથી. શાળાઓ બંધ છે. સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વસૂલવામાં આવી રહ્યા નથી.જેના અનુસંધાને
જસ્ટિસ રેખા પલ્લીએ જણાવ્યું હતું કે  ડ્રાઇવરોને પૈસા ચૂકવવાના નથી ? તમે ન્યાયમૂર્તિ જ્યોતિસિંહના ચુકાદો વાંચ્યો  નથી?

એડવોકેટ સિંહે કહ્યું હતું કે ફી વસૂલવા બાબતે સ્ટુડન્ટ્સના માતાપિતાની પજવણી કરવામાં આવી રહી છે.આથી ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ કહ્યું હતું કે માતા-પિતાની શું પજવણી કરવામાં આવી રહી છે ?   ખુદ દિલ્હી સરકાર કહેતી રહી છે કે આ  શાળાઓ સારી છે. માતાપિતાએ સ્વૈચ્છિક રીતે તેમના બાળકોને ખાનગી શાળામાં મોકલવાનું પસંદ કર્યું છે. તેથી અમે નોટિસ જારી કરીશું પરંતુ ચુકાદા વિરુદ્ધ સ્ટે આપીશું નહીં.

અપીલની આગામી સુનાવણી વેકેશન પછી રાખવામાં આવી છે.તેવું ઈ.એલ.દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)