Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ખાલીસ્તાની આતંકવાદી જરનેલ સિંહ ભિંડરાવાલાને શહીદ ગણાવતી પોસ્ટ પર હરભજનસિંહે માફી માંગી

વિવાદિત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભજ્જીએ સોશિયલ મીડિયા પર માફીપત્ર પણ શેર કર્યો

અમૃતસર: ટીમ ઈન્ડિયાના ઑફ સ્પિનર અને લાંબા સમયથી ક્રિકેટ ટીમની બહાર રહેલા હરભજન સિંહે પોતાની વિવાદિત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સૌ કોઈની માફી માંગી છે. ભજ્જીએ સોશિયલ મીડિયા પર માફીપત્ર પણ શેર કર્યો છે.

 હરભજને ઈન્સ્ટાગ્રામ પર ઑપરેશન બ્લૂ સ્ટારની 37મીં વરસી પર સુવર્ણ મંદિરની અંદર માર્યા ગયેલા જરનેલ સિંહ ભિંડરાવાલાને શ્રદ્ધાંજલિ આપતા તેમને શહીદ ગણાવી દીધા.

આ પોસ્ટ પર હરભજન સિંહની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, હરભજનને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી, તો કેટલાક યુઝર્સે ભજ્જી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. યુઝર્સ હરભજનને મળેલા તમામ એવોર્ડ પરત લેવાની પણ માંગ કરી રહ્યાં છે.

 

જો કે હરભજને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ રીતે ભીંડરાવાલેનું નામ નથી દર્શાવ્યું.જણાવી દઈએ કે, ઑપરેશન બ્લૂ સ્ટાર 1 જૂનથી 8 જૂન 1984 સુધી અમૃતસરના સુવર્ણ મંદિરમાં અંજામ આપવામાં આવ્યું હતું. જે ભારતીય સેના તરફથી પાર પાડવામાં આવેલ એક મોટું મિશન હતું. ભજ્જીએ પોતાના માફીનામામાં લખ્યું છે કે,

“મેં ગઈકાલે જે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી, તેના વિશે સ્પષ્ટતા કરું છું અને માફી માંગુ છું. જે એક વ્હોટ્સઅપ ફોરવર્ડ મેસેજ હતો, જે મે ઉતાવળમાં સમજ્યા વિચાર્યા વિના શેર કરી દીધો અને તેનો અર્થ જાણવાનો પ્રયત્ન પણ ના કર્યો.

આ મારી ભૂલ હતી અને હું તેને સ્વીકારું છે. આ પોસ્ટમાં જે ફોટો છે, હું તેવા લોકોને કોઈ પણ પ્રકારનું સમર્થન નથી કરતો. હું શીખ છુ, જે દેશ વિરુદ્ધ નહી, પણ દેશ માટે લડશે. દેશવાસીઓની લાગણી દુભાવવા બદલ હું માફી માંગુ છું. મેં આ દેશ માટે 20 વર્ષ સુધી લોહી પાણી એક કર્યા છે. હું ક્યારેય કોઈ એવી વાતને સમર્થન નહીં કરું, જે ભારત વિરુદ્ધ હોય. જય હિન્દ”

(6:58 pm IST)