Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

લગ્નની ના પાડતાં યુવતી પ્રેમીને ત્યાં બેન્ડ-બાજા સાથે પહોંચી

પ્રેમ સંબધ તોડી નાખતા યુવતીનો આક્રોશ : પ્રેમીના લગ્ન બીજે ગોઠવાતાં પ્રેમિકાનું જોરદાર નાટક

ગોરખપુર, તા. : ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં અને તેના લગ્ન બીજે ક્યાંય ગોઠવાઈ જતાં પ્રેમિકા બેન્ડ બાજા સાથે તેના ઘરે વાજતે-ગાજતે પહોંચી હતી. જ્યાં તેણે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જેના કારણે, મામલો એટલો ગંભીર થઈ ગયો હતો કે પોલીસે દખલગીરી કરીને યુવતીને શાંત કરાવી હતી અને તેને સમજાવીને ઘરે પાછી મોકલી હતી.

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, યુવતીની મુલાકાત બે વર્ષ પહેલા માસીના ઘર સામે રહેતા સંદીપ મૌર્ય સાથે થઈ હતી. બાદમાં ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવકે લગ્નને લઈને યુવતીના માતા-પિતા સાથે વાત પણ કરી હતી. પરંતુ નોકરી મળ્યા બાદ યુવકે યુવતી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

પ્રેમીના ઘર બહાર ધમપછાડા કરનારી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તેના પ્રેમીએ લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા. દરમિયાન તેની સેનામાં ટ્રેનિંગ શરૂ. થઈ ગઈ હતી. વચ્ચે પણ તે આવતો-જતો હતો અને કેટલીયવાર શારીરિક સંબંધ પણ બંધાયા હતા. પરંતુ જેવી યુવકને સેનામાં નોકરી મળી કે તે પોતાના વચનથી ફરી ગયો હતો. જ્યારે યુવતીને જાણ થઈ કે તેના પ્રેમીના લગ્ન બીજા સાથે થઈ રહ્યા છે, તો તે બેન્ડ વાજા લઈને તેના ઘરે પહોંચી ગઈ હતી અને ધમકી આપી હતી કે જો તેના લગ્ન પ્રેમી સાથે નહીં થયા તો મરી જશે.

યુવતીની બહેને પણ જણાવ્યું કે, સંદીપ તેના ઘરે આવતો-જતો હતો. દરમિયાન તેણે તેના માતા-પિતા સાથે લગ્નની વાત પણ કરી હતી. બંને એક જ્ઞાતિના હોવાથી તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો. પરંતુ જ્યારે સંદીપને સેનામાં નોકરી મળી તો તે ફરી ગયો હતો. સંદીપની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, સંદીપને અન્ય યુવતી સાથે લગ્ન કરતાં રોકી શકાય નહીં, કારણ કે કાયદાકીય રીતે તેના પહેલા લગ્ન હશે.

(7:41 pm IST)