Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દુબઈમાં ફસાયેલા આણંદના કાવિઠાના બે યુવકના પરિવારે સાંસદને કરી રજૂઆત:યુવાનોને મુક્ત કરાવવા મદદ માગી

કાવીઠા ગામના બે યુવકો હર્ષલ પટેલ અને શિવમ પટેલ એજન્ટની લાલચમાં આવી જઈને દુબઈના શારજહાંમાં ફસાયા

આણંદના કેટલાક યુવકો દુબઈના શારજહાંમાં ફસાયા છે. આણંદ જિલ્લામાં જ્યાં એજન્ટોની વાતોમાં આવી જઈ લાખો રૂપિયા આપી દુબઈ પહોંચેલા યુવકોને અત્યારે નિસહાય સ્થિતિમાં દિવસો વિતાવવાનો સમય આવ્યો છે. કાવીઠા ગામના બે યુવકો દુબઈમાં ફસાતા તેમના પરિવાર દ્વારા હવે સાસંદને રજૂઆત કરવામાં આવી છે અને આ યુવકોને મુક્ત કરાવવા માટે માગ કરવામાં આવી છે. વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લાના બોરસદ પાસે આવેલા કાવીઠા ગામમાં રહેતા બે યુવકો હર્ષલ પટેલ અને શિવમ પટેલ એજન્ટની લાલચમાં આવી જઈને દુબઈના શારજહાંમાં ફસાયા છે. ત્યારે હર્ષલ પટેલ અને શિવમ પટેલના પરિવારે સાંસદ મિતેષ પટેલને રજુઆત કરી છે. પરિવારે આ બંને યુવકોને દુબઈથી મુક્ત કરાવવા રજૂઆત કરી છે. જે પછી સાંસદ દ્વારા દુબઈની ઈન્ડિયન એમ્બેસીમાં ઈમેઈલ કરી યુવકોની માહિતી આપી મદદ કરવા જણાવવામાં આવ્યુ છે.

હર્ષલ પટેલ અને શિવમ પટેલે ધર્મજ ગામના એજન્ટ સચિન પટેલનો સંપર્ક કર્યો હતો. સચિન પટેલે શિવમને દુબઈમાં મોટા પગારની જોબ હોવાની વાત કરી હતી અને પોતાની વાતોમાં લઈ લીધા હતા. બાદમાં કાવીઠાના આ બન્ને યુવકોને દુબઈના એજન્ટનો સંપર્ક કરી આપવામાં આવ્યો હતો અને 1 લાખ 60 હજાર રૂપિયા લઇ બે મહિના પહેલા દુબઈ મોકલી આપવામાં આવ્યા હતા. દુબઇ પહોંચેલા આ બંને યુવકોને ગુજરાતીના ઘરમાં જ રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી પણ એક અઠવાડિયા કરતા પણ વધારે સમય વીતવા છતાં હર્ષલ કે શિવમને કોઈ જગ્યાએ નોકરી આપવામાં આવી ન હતી. જેથી આ બંને યુવકોએ પછી ધર્મજના એજન્ટ સચિન પટેલનો સંપર્ક કર્યો હતો.

સચીને પટેલે બન્ને યુવકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ અને દુબઇના એજન્ટ દ્વારા આણંદના બે યુવકો સહિત કુલ 6 લોકોને અન્ય મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી પણ મકાન માલિક દ્વારા ગુજરાતી યુવકો પાસે ઘર ભાડુ માગવામાં આવતા સમગ્ર મામલે યુવકોને છેતરાઇ ગયાનો અહેસાસ થયો. જે પછી આ યુવકોએ પોતાના પરિવારને સમગ્ર વાત કરી હતી. જેથી યુવકોના પરિવારજનો દ્વારા આણંદ સાંસદ કાર્યાલયે આવી રજૂઆત કરવામાં આવી હતી. સાંસદ કાર્યાલય દ્વારા અબુધાબી એમ્બેસીને સમગ્ર મામલે ઈમેઈલ કરી યુવકોને મદદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

(11:43 pm IST)