Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

૨ રૂપિયાનો સ્‍ટોક પહોંચ્‍યો ૧૭૦૦ને પાર : ૧ લાખના થયા ૮ કરોડ

૭૦,૦૦૦ ટકાથી વધુ વળતર આપ્‍યું : કંપનીના શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્‍ચ સ્‍તર રૂ. ૨,૫૨૪.૯૫ છે : જયારે ૫૨ સપ્તાહનું નીચુ સ્‍તર રૂ. ૧,૬૦૯.૭૫ છે

મુંબઇ તા. ૭ : વૈશ્વિક બજારના સંકેતો વચ્‍ચે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. પરંતુ આ સ્‍થિતિમાં પણ કેટલાક શેરો જબરદસ્‍ત વળતર આપી રહ્યા છે. આવો જ એક સ્‍ટોક છે એસ્‍ટ્રલ લિમિટેડ જે પ્‍લાસ્‍ટિક પ્રોડક્‍ટ્‍સ બનાવે છે. એસ્‍ટ્રલ લિમિટેડએ મજબૂત રિટર્ન આપીને તેના રોકાણકારોને કરોડપતિ બનાવ્‍યા છે.

નોંધનીય છે કે આ કંપનીના શેર થોડા વર્ષોમાં ૨ રૂપિયાથી વધીને ૧૭૦૦ રૂપિયા થઈ ગયા છે. તેના શેરોએ આ સમયગાળા દરમિયાન ૭૦,૦૦૦ ટકાથી વધુ વળતર આપ્‍યું છે. એટલું જ નહીં, કંપનીના શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્‍ચ સ્‍તર રૂ. ૨,૫૨૪.૯૫ છે, જયારે ૫૨ સપ્તાહનું નિચુ સ્‍તર રૂ. ૧,૬૦૯.૭૫ છે.

એસ્‍ટ્રલ લિમિટેડના શેર ૧૩ માર્ચ ૨૦૦૯ના રોજ નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) પર રૂ. ૧.૯૮ ના સ્‍તરે હતા, જયારે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ૩ જૂન ૨૦૨૨ ના રોજ કંપનીના શેર NSE પર રૂ. ૧૭૪૬ ના સ્‍તરે બંધ થયા હતા. એટલે કે કંપનીના શેરે ૭૦,૦૦૦ ટકાથી પણ વધુ વળતર આપ્‍યું છે. હવે આને જોતા જો કોઈ વ્‍યક્‍તિએ ૧૩ માર્ચ ૨૦૦૯ ના રોજ કંપનીના શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્‍યું હોય તો હાલમાં આ રકમ વધીને રૂપિયા ૮.૮૧ કરોડ રૂપિયા બની ગઈ હશે તેમ કહી શકાય.

જો કોઈ વ્‍યક્‍તિએ ૧૦ વર્ષ પહેલા એસ્‍ટ્રલ લિમિટેડના શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ સમયે તે રોકાણ વધીને ૧ લાખ ૬૯ લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હોત. એસ્‍ટ્રલ લિમિટેડના શેરોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૫૦ ટકાથી વધુનુ વળતર તેના શેર ધારકોને આપ્‍યું છે. જોકે નોંધનીય છે કે આ વર્ષે કંપનીનું વળતર બહુ સારૂં રહ્યું નથી અને અત્‍યાર સુધીમાં કંપનીના શેરોએ ૨૫ ટકાનું નેગેટિવ રિટર્ન આપ્‍યું છે. જોકે નિષ્‍ણાતો માને છે કે આગામી થોડા સમયમાં કંપનીના શેરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. જો કે વૈશ્વિક બજારના સંકેતો વચ્‍ચે આગામી સમયમાં આ શેર કેટલો નફો કે નુક્‍શાન આપે છે તે આવનાર સમય પર જ આધારિત રહેશે.

(10:30 am IST)