Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

૧૨ વર્ષથી ગેંગસ્‍ટર લોરેન્‍સના નિશાને સલમાનઃ ‘રેડી'ના શૂટ દરમિયાન હુમલાનો હતો પ્‍લાન

ધમકીભર્યા પત્રમાં લખ્‍યું હતું કે ‘તેરા મુસેવાલા બના દેંગે સલમાન ખાન': જેના પછી સલીમ ખાને પોતાના સુરક્ષા કર્મચારીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બાન્‍દ્રા થાણામાં આ સંબંધે કેસ નોંધાવ્‍યો

મુંબઇ,તા. ૭: અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકી મામલે દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે લોરેન્‍સ બિશ્નોઈની પૂછપરછ કરી છે. સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રના અંતે GB અને LB લખાયેલું હતું, જેનો અર્થ Goldy Brar અને Lawrence Bishnoi થઈ શકે છે. પણ આ પત્ર ખરેખર બિશ્નોઈ ગેન્‍ગ સાથે જોડાયેલો છે કે પછી કોઇકે મશ્‍કરી કરી છે, તે હજી સ્‍પષ્ટ નથી. જણાવવાનું કે રવિવારે સવારે વોક બાદ સલીમ ખાનને અજ્ઞાત વ્‍યક્‍તિએ એક પત્ર આપ્‍યો હતો. જેમાં તેને અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા પત્રમાં લખ્‍યું હતું કે ‘તેરા મુસેવાલા બના દેંગે સલમાન ખાન.'જેના પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મચારીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બાન્‍દ્રા થાણામાં આ સંબંધે કેસ નોંધાવ્‍યો.

જણાવવાનું કે સલમાન ખાન છેલ્લા ૧૨ વર્ષથી ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈના નિશાને છે. હકિકતે, જોધપુરમાં કાળાં હરણના શિકાર મામલે સલમાન ખાનનું નામ આવ્‍યા પછીથી લોરેન્‍સ બિશ્નોઇ નારાજ હતો, કારણકે બિશ્નોઇ સમાજ કાળા હરણની પૂજા કરે છે. સૂત્રો પ્રમાણે ૨૦૧૧માં રેડી ફિલ્‍મના શૂટિંગ દરમિયાન લોરેન્‍સ બિશ્નોઈએ પોતાના ગ્રુપ દ્વારા સલમાન ખાન પર હુમલો પ્‍લાન કર્યો હતો, પણ શૂટરોને મનગમતા હથિયાર ન અપાવી શકતા આ પ્‍લાન ફેલ થઈ ગયો.

બિશ્નોઈનો સૌથી મહત્‍વપૂર્ણ મોહરો અને ગેંગસ્‍ટર કાળા જઠેડીનો ગુરુ નરેશ શેટ્ટી જ તે શખ્‍સ છે, જેને સલમાન ખાનને મારી નાખવાનો પ્‍લાન સોંપવામાં આવ્‍યો હતો. વર્ષ ૨૦૧૭ પહેલા ગેંગસ્‍ટર સમ્‍પત નેહરા મુંબઈ ગયો. વાસી વિસ્‍તારના એક ફલેટમાં રોકાયો, પછી વર્ષ ૨૦૨૦માં નરેશ શેટ્ટી મુંબઈ ગયા. વાસીના તે જ ફલેટમાં રોકાયો પછી ફરારીના સમયમાં ગેંગસ્‍ટર કાળા જઠેડી પણ મુંબઈ ગયો અને વાસી વિસ્‍તારના તે જ ફલેટમાં રોકાયો. ગેંગસ્‍ટર નરેશ શેટ્ટી અને સમ્‍પત નેહરાએ અનેક વાર સલમાન ખાનના ઘરની રેકી કરી, જેથી જયારે સલમાન ખાન સાઇકલિંગ માટે પોતાના ઘરની બહાર નીકળે, તો તેને ટારગેટ કરવામાં આવે પણ બિશ્નોઈ પોતાના મનસૂબામાં સફળ થઈ શક્‍યો નહીં.

સલમાન ખાનને મારી નાખવાના પ્‍લાનમાં દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે ૨૦૨૦માં મુંબઈના વાસીથી લોરેન્‍સ બિશ્નોઈ ગેંગના ત્રણ શાર્પ શૂટર રાજન જાટ, સુમિત અને અમિત છોટાની ધરપકડ કરવામાં આવી હતી. રાજન જાટ કુરુક્ષેત્રનો રહેવાસી છે, જયારે અમિત બબાના વિસ્‍તારનો અને સુમિત ગોહાના હરિયાણાનો રહેવાસી છે. એટલું જ નહીં ફરીદાબાદ પોલીસે ગયા વર્ષે જે ગેંગસ્‍ટર રાહુલ સાંગાની ધરપકડ કરી હતી, તે સમયે પણ ફરીદાબાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાહુલ સલમાન ખાનને મારી નાખવા માટે મુંબઈ જઈને લગભગ એક મહિનો રોકાયો હતો. ૪ વર્ષ પહેલા લોરેન્‍સ બિશ્નોઈએ જોધપુર કોર્ટની બહાર પોલીસ કસ્‍ટડીમાં કહ્યું હતું કે સલમાન ખાનને અહીં જ મારીશ.

(11:12 am IST)