Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પાકિસ્‍તાનનું ‘ડ્રોનવોર' : ટિફિનોમાં ભરીને મોકલ્‍યા બોમ્‍બ

સુરક્ષા દળોએ વિશેષજ્ઞોની મદદથી આઇઇડીને ડિએકટીવેટ કર્યા

જમ્‍મુ તા. ૧૮ : જમ્‍મુ-કાશ્‍મીરમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવવાનું કાવતરૂં ઘડનાર પાકિસ્‍તાને હવે ભારત વિરુદ્ધ ડ્રોન યુદ્ધ શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, જમ્‍મુ અને કાશ્‍મીર અને પંજાબમાં હુમલો કરવા, વિસ્‍ફોટકો છોડવા અથવા જાસૂસી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોય તેવા કિસ્‍સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્‍સો સોમવારે મોડી રાત્રે કાનાચક વિસ્‍તારમાં સામે આવ્‍યો હતો. રાત્રે લગભગ ૧૧ વાગે બીએસએફને ડ્રોન ઉડતું જોવા મળ્‍યું અને સૈનિકોએ સતર્કતા બતાવતા તેના પર ફાયરિંગ શરૂ કર્યું. થોડા સમય બાદ પોલીસને પણ બોલાવવામાં આવી અને ફરી એકવાર ફાયરિંગ કરવામાં આવ્‍યું.
ગોળીબારના કારણે આ ડ્રોન નીચે આવ્‍યું અને પાકિસ્‍તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો. આ ડ્રોનમાં ત્રણ ટિફિન હતા, જે IEDથી ભરેલા હતા. એટલું જ નહીં આ બોમ્‍બ સાથે અલગ-અલગ સમયે ટાઈમર પણ સેટ કરવામાં આવ્‍યા હતા. સુરક્ષા દળોએ નિષ્‍ણાતોની મદદથી આઈઈડીને નિષ્‍ક્રિય કરી દીધી અને કોઈપણ ઘટનાની શક્‍યતાને ટાળી દીધી. જો કે આવા કિસ્‍સાઓ સતત સુરક્ષા દળોની ચિંતા વધારી રહ્યા છે. જમીનની સાથે સાથે હવે સુરક્ષા દળોએ આકાશ પર પણ નજર રાખવી પડશે. જૂન ૨૦૨૧માં ભારતીય વાયુસેના સ્‍ટેશન પર ડ્રોન હુમલો થયો હતો.
ભારતમાં ડ્રોન હુમલાનો આ પહેલો કિસ્‍સો હતો. આ હુમલામાં ડ્રોન દ્વારા એરફોર્સ સ્‍ટેશનના ટેક્‍નિકલ વિસ્‍તારમાં બે ઓછી તીવ્રતાના બોમ્‍બ ફેંકવામાં આવ્‍યા હતા. આ વિસ્‍ફોટો મધ્‍યરાત્રે લગભગ દોઢ વાગ્‍યે થયા હતા. જેના કારણે છતને થોડું નુકસાન થયું હતું અને એક જવાન પણ ઘાયલ થયો હતો. ત્‍યારથી સતત તકેદારી રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ ડ્રોન દ્વારા વિસ્‍ફોટક છોડવાનો મામલો સામે આવ્‍યો છે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પણ ડ્રોન હુમલા અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે. તેણે ભૂતકાળમાં કહ્યું હતું કે હવે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે અને પ્રથમ ગોળી ચલાવવામાં આવે તે પહેલાં જ યુદ્ધ શરૂ થઈ શકે છે

 

(12:59 pm IST)