Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મેટ્રોપોલિસ હેલ્થકેરને ખરીદવા અદાણી મોટી ડીલની તૈયારીમાં

અદાણી જૂથ આક્રમક રીતે વિસ્તરણ કરી રહ્યું છે : મેટ્રોપોલિસમાં મેજોરિટી હિસ્સો ખરીદવાની દોડમાં એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝિસ પણ સામેલ હોવાનું મનાય છે

મુંબઈ, તા.૭ : ગૌતમ અદાણીનું અદાણી જૂથ આક્રમક રીતે વિસ્તરણ કરી રહ્યું છે અને એક પછી એક સેક્ટરમાં સોદા પાડી રહ્યું છે. અદાણી જૂથ અત્યારે ડાયગ્નોસ્ટિક ચેઈન મેટ્રોપોલિસ હેલ્થકેરને ખરીદવા માટે મોટી ડીલની તૈયારીમાં છે. મેટ્રોપોલિસમાં મેજોરિટી હિસ્સો ખરીદવાની દોડમાં એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝિસપણ સામેલ હોવાનું માનવામાં આવે છે.મેટ્રોપોલિસ હેલ્થકેરની માર્કેટ કેપિટલ અને દેશભરમાં તેની હાજરીને ધ્યાનમાં રાખતા આ ડીલ ઓછામાં ઓછા એક અબજ ડોલર (૭૭૬૫ કરોડ રૃપિયા)ની હોવાની શક્યતા છે. ગયા સપ્તાહમાં જ કેટલાક અખબારી અહેવાલો આવ્યા હતા કે અદાણી જૂથ હવે હેલ્થકેરમાં મોટા પાયે કામગીરી કરવા માંગે છે. આ માટે તે મોટી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક ચેઈનમાં મેજોરિટી હિસ્સો ખરીદશે.આ ઉપરાંત તે ડિજિટલ અને ઓફલાઈન ફાર્મસીમાં પણ મોટા પાયે પ્રવેશવાની તૈયારી ધરાવે છે. આ બિઝનેસ માટે અદાણી જૂથે ચાર અબજ ડોલર તૈયાર રાખ્યા છે જેનાથી તે હેલ્થકેર સેક્ટરમાં પોતાની હાજરી બનાવશે. અદણી જૂથે લાંબા ગાળાના ફંડિગ પ્લાન માટે રોકાણકારો અને ધિરાણકારો સાથે ચર્ચા શરૃ કરી છે.અદાણી જૂથ ભાારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય પૈકી એક છે અને તેની વાર્ષિક આવક ૨૦ અબજ ડોલરથી વધારે છે. હાલમાં તે પાવર, ગ્રીન એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફૂડ પ્રોસેસિંગ, એરપોર્ટ સહિત બીજા ઘણા ઉદ્યોગોમાં સામેલ છે.મેટ્રોપોલિસે ૧૯૮૦ના દાયકામાં એક સિંગલ લેબથી શરૃઆત કરી હતી. ત્યાર પછી ૨૦૦૫માં તેને એક પ્રાઈવેટ ઈક્વિટી ફંડ પાસેથી ૩૫ કરોડ રૃપિયાનું ફંડિંગ મળ્યું હતું. ત્યાર બાદ મેટ્રોપોલિસને વોરબર્ગ પિંકસ તરફથી ૮૫ મિલિયન ડોલર મળ્યા હતા. ૨૦૧૫માં મેટ્રોપોલિસ હેલ્થકેરના સ્થાપક શાહ પરિવારે ૫૫૦ કરોડમાં ૨૭ ટકા હિસ્સો બાય બેક કર્યો હતો. ૨૦૧૫માં જ કંપની પ્રમોટર તરીકે કાર્લાઈલને લાવી હતી. હાલમાં આ પેથોલોજી ચેઈન ૧૯ રાજ્યોમાં કામગીરી ધરાવે છે તથા દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ મજબૂત હાજરી છે.

ગૌતમ અદાણીના અદાણી જૂથે તાજેતરમાં હોલ્સિમ સિમેન્ટની પેટાકંપનીઓ એસીસી સિમેન્ટ્સઅને અંબુજા સિમેન્ટ્સને ખરીદી લેવા માટે ૧૦.૫ અબજ ડોલરની ડીલ કરી છે. તેથી પોર્ટથી લઈને એનર્જી સુધીને સેક્ટરમાં સક્રિય અદાણી જૂથનો હવે સિમેન્ટ ઉદ્યોગમાં પ્રવેશ થયો છે.અદાણી જૂથ હેલ્થકેરમાં મોટા પાયે કામગીરી કરવા માંગે છે. આ માટે તે મોટી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક ચેઈનમાં મેજોરિટી હિસ્સો ખરીદશે.

આ સોદાથી ભારતના સિમેન્ટ માર્કેટમાં તે અલ્ટ્રાટેક પછી બીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બનશે. હાલમાં તેની પાસે અદાણી સિમેન્ટ લિમિટેડ અને અદાણી સિમેન્ટેશન લિ. જેવી કંપનીઓ છે.

ગૌતમ અદાણી પાસે હાલમાં ૧૦૨ અબજ ડોલરની નેટવર્થ હોવાનું માનવામાં આવે છે. તેઓ ડેટા સેન્ટર્સ, ડિજિટલ સર્વિસ, સિમેન્ટ અને મીડિયા સહિતના નવા સાહસોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે

(7:53 pm IST)