Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો ભય વ્યક્ત કરાયો : મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું

દેશનાં કેટલાક રાજ્યોમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ : પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકા

નવી દિલ્લી તા. 07 : ચોમાસાની સિઝન શરૂ થતાં જ સોઈક્લિનિક સર્ક્યુલેશન પણ ફરી સક્રિય થયું છે. જેને લઈ દેશનાં અનેક રાજ્યોમાં IMDએ કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ અને કેટલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેથી રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના આશીર્વાદ સાથે કુદરતી પાયમાલની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. દેશમાં વાદળ ફાટવાના અને ભૂસ્ખલનના અહેવાલો સામે આવી રહ્યા છે. જેને લઈ આગમચેતીનાં ભાગરૂપે આગામી 24 કલાકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ તેમજ દિલ્હી, પશ્ચિમ યુપી, ઝારખંડ વગેરેમાં હળવો વરસાદ પડવાની આગાહી  કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂરના ભયને કારણે NDRFની ટીમોને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ ચાલુ છે. જેને લઈ IMDએ કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ અને કેટલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.  જેના કારણે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે, જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને બંગાળની ઉત્તરપશ્ચિમ ખાડી પર અલગ હવામાન પ્રણાલી સક્રિય છે. તેમની અસર હેઠળ આસપાસના રાજ્યોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. તેની અસરને કારણે ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તેથી રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં 9 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે જ સમયે, પાલઘર, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લામાં 8 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે કોંકણ, ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે, તેથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

(8:44 pm IST)