Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

દિલ્હીમાં કેન્ડલ માર્ચને અટકાવતા લોકો વિફર્યા: ભારે પથ્થરમારો: પોલીસની ગાડીઓમાં તોડફોડ

મહિલાના હત્યાના વિરોધમાં લોકોએ કાઢી કેન્ડલ માર્ચ: ગાંધીનગર વિસ્તારમાં મોટી ધમાલ

નવી દિલ્હી :  દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક મહિલાની હત્યાના મામલે કેટલાક લોકોએ ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ કાઢી હતી. પોલીસ દ્વારા કેન્ડલ માર્ચને અટકાવવામાં આવતા લોકો વિફર્યા હતા અને પોલીસની બેરિકેડિંગ તોડી નાખી હતી તથા લોકો પથ્થમારો પણ કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. આખરે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી 

ગાંધીનગરના રઘુબર પુરા વિસ્તારમાં રાધાદેવી નામની એક મહિલાની લાશ ઘરની સીડીઓ પાસેથી મળી આવી હતી. મહિલાના ગળામાં મંગળસૂત્ર ફસાયેલું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  મહિલા સાથે રેપના પ્રયાસની વાત સામે આવી હતી અને પાછળથી તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. લોકો આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી રહ્યાં હતા અને ત્યારે તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

   મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન સુધી કૂચ કાઢવા માટે એકઠા થયા હતા. પોલીસે પોલીસ સ્ટેશનની બહાર બેરિકેડ લગાવી દીધા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. ત્યાર બાદ પોલીસ સ્ટેશનની બહાર લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ કર્યો હતો.

(11:50 pm IST)