Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૨,૫૩૮ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનો કોરડો જારી : દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૦,૨૭,૦૭૫, અત્યાર સુધી ૧૩,૭૮,૧૦૬ દર્દીએ કોરોનાને માત આપી

નવી દિલ્હી, તા. ૭ : દેશમાં કોરોના વાયરસનો કહેર જારી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૬૨,૫૩૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૦,૨૭,૦૭૫ સુધી પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ ૧૩,૭૮,૧૦૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક ૪૧,૫૮૫ પર પહોંચી ગયો છે.

 દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કર્ણાટક અને તમિલનાડુમાં દરરોજ ૫,૦૦૦થી વધુ દર્દી મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પણ દરરોજ લગભગ ૪,૦૦૦ નવા દર્દી નોંધાઈ રહ્યા છે. બીજી તરફ, એક અભ્યાસ પ્રમાણે ભારતમાં પાંચ કરોડથી વધુ વસતીવાળા ૧૦ રાજ્યોમાંથી છ રાજ્યમાં ગત મહિનાની સરખામણીમાં કેસના ડબલ થવાના દિવસો ઓછા થઈ રહ્યા છે. દેશમાં ૧૦ રાજ્યોમાં વસ્તી ૫ કરોડથી વધુ છે. જેમાંથી ૬ રાજ્યોમાં જૂનમાં જેટલા કેસ ડબલ થઈ રહ્યા હતા એનાથી ઓછા દિવસમાં હાલ ડબલ થઈ રહ્યા છે. જેમાં ેંઁ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને પશ્વિમબંગાળ સામેલ છે. એટલે કે, આ ૬ રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે. સાથે જ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં કેસ ડબલ થવાની સ્પીડ ધીમી પડી છે. દરમિયાન, બ્રાઝીલમાં ૫૧,૬૦૩ નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા ૨૮ લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે.

(7:15 pm IST)