Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુશાંતસિંઘની રહસ્યમય આત્મહત્યા-સીબીઆઇ તપાસ સાથે રાજકોટનું પણ રસપ્રદ કનેકશન

સીબીઆઇના એડી.ડાયરેકટર પ્રવિણ સિંહા-જોઇન્ટ ડાયરેકટર મનોજ શશીધર રાજકોટ રેન્જ વડા તરીકે તથા ગગનદીપ ગંભીર રાજકોટ રૂરલ એસપી તરીકે ફરજ બજાવી ચુકયા છે : સ્વચ્છ છબી ધરાવતા રાજય પોલીસ તંત્રના આ ત્રણેય ગૌરવ છે : સુપ્રસિધ્ધ અભિનેતાના રહસ્યમય મોતના મામલાનો ભેદ ઉકેલવા માટેની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે વિજય માલ્યા કૌભાંડ, હેલીકોપ્ટર ખરીદી કૌભાંડ તથા ઉતરપ્રદેશના એક સમયના મુખ્યમંત્રી અખીલેશ યાદવ સામેના આક્ષેપોની તપાસ કરી ચુકી છેઃ મહારાષ્ટ્ર-બિહારની સરકાર જ નહિ બંન્ને રાજયના આઇપીએસ પણ સામસામ આવી ગયા છે તેવા આ અટપટ્ટા અને પડકારજનક મામલાની સીબીઆઇ તપાસ માટે નિતીશકુમારને મનાવવામાં એક સમયના ફિલ્મી અભિનેતા અને ટીવી શોના જજ શેખર સુમનનો ફાળો ખુબ જ મહત્વનો રહયો છેઃ પડદા પાછળની રસપ્રદ વાતો

રાજકોટ, તા., ૭: મહારાષ્ટ્ર સરકાર અને બિહાર સરકાર જે મામલે સામસામે થઇ જવાની સાથોસાથ આ બન્ને રાજયોના આઇપીએસો એક-બીજાની સામસામે થવા સાથે વિવાદ અદાલત સુધી પહોંચ્યો છે તેવા સુપ્રસિધ્ધ બોલીવુડ સ્ટાર સુશાંતસિંઘ રાજપુતની રહસ્યમય આત્મહત્યાનો મામલો  સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારે અચાનક દરમિયાનગીરી કરી બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારની માંગણી મુજબ સીબીઆઇને તપાસ સુપ્રત કરી છે. તેવા સમયે રાજકોટનું આ તપાસ સાથે રસપ્રદ કનેકશન છે તે બાબત જાણવી ખુબ જ રસપ્રદ રહેશે.

સીબીઆઇએ પ્રાથમીક રીતે ગુન્હો નોંધી સ્વ.સુશાંતસિંઘ રાજપુતની ગર્લફ્રેન્ડ એવી જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તી સહીત ૬ સામે ગુન્હો નોંધી સમગ્ર મામલાની તપાસ  દેશના સિનીયર મોસ્ટ એવા ૧૯૮૩ બેચના સીબીઆઇ ડાયરેકટર આર.કે.શુકલા દ્વારા  એડીશ્નલ ડાયરેકટર પ્રવિણ સિંહા સાથે ચર્ચા કરી સમગ્ર મામલો સ્પેશ્યલ ઇન્વેસ્ટીેગેશન ટીમને સુપ્રત કરી દીધો છે.

સીબીઆઇની સ્પેશ્યલ ટીમનું ઓવરઓલ સુપરવીઝન પ્રવિણ સિંહાને સુપ્રત કરવા સાથે સીટના વડા તરીકે મનોજ શશીધરની પસંદગી કરી સીટમાં સીબીઆઇના ડીઆઇજી દરજ્જાના મહિલા આઇપીએસ ગગનદીપ ગંભીરનો પણ સમાવેશ કરેલ છે. રસપ્રદ બાબત અહીથી જ શરૂ થાય છે. ઓવર ઓલ સુપર વીઝન જેમને સુપ્રત થયું છે તેવા પ્રવિણ સિંહા રાજકોટ રેન્જ વડા તરીકે યશસ્વી ફરજ બજાવવા સાથે જુનાગઢ રેન્જમાં પણ પ્રસંશનીય ફરજ બજાવી દિવના શરાબ માફીયાઓને છીન્નભીન્ન કરી નાંખ્યા હતા.

સીટના મુખ્ય તપાસનીસ આઇપીએસ  મનોજ શશીધર પણ રાજકોટ રેન્જ વડા તરીકે પ્રસંશનીય ફરજ બજાવી ચુકયા છે. સુરેન્દ્રનગર પંથકમાં જે તે સમયે ચાલતા કેટલાક ખનીજ પદાર્થોના ગેરકાયદે કારોબાર પર તેઓ તુટી પડયા હતા.

યોગાનુયોગ બાબત એ છે કે સીટમાં સીબીઆઇના ડીઆઇજી દરજ્જે મુકાયેલા  ગગનદીપ ગંભીર પણ રાજકોટ રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવી ચુકયા છે. કાયદો વ્યવસ્થાનું જડબેસલાક નિર્માણ કરી  પોલીસ તંત્ર પર જબ્બર 'હોલ્ટ' ધરાવતા હતા. આ ત્રણેય અધિકારીઓ 'બેદાગ' ધરાવતા રાજય પોલીસ તંત્રના શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીના અધિકારીઓ તરીકે જાણીતા છે. આમ સુશાંતસિંઘ રાજપુતના રહસ્યમય આત્મહત્યાના મામલાની તપાસમાં ગુજરાત કેડરના રાજકોટ ફરજ બજાવી ચુકેલા અધિકારીઓ સામેલ થતા આપોઆપ પરોક્ષ રીતે રાજકોટ કનેકશન જાડાઇ ગયું છે.

ગુજરાત  કેડરના પ્રવિણ સિંહાને તમે  આ રીતે ઓળખો છો?

રાજકોટ : ૧૯૮૮ બેચના મૂળ બિહારના પટણાના વતની પ્રવિણ સિંહા સ્વચ્છ છબી ધરાવતા કાર્યદક્ષ અને પ્રમાણીક અધિકારી તરીકે જાણીતા છે. ખુબ જ સાદગીથી જીવન ગુજારતા આ અધિકારીએ ભુતકાળમાં સીબીઆઇમાં પણ એસપી દરજ્જે યશસ્વી ફરજ બજાવી છે. લાલુ પ્રસાદ યાદવના ચારાકાંડ સહિતની મહત્વની તપાસોમાં તેઓ જોડાયા હતા.

જુનાગઢ રેન્જ વડા તરીકે દારૂ-જુગાર સહીતના તમામ ગેરકાયદે ધંધાઓ તેઓએ અલગઢીયા તાળા લગાવી દીધા હતા. દીવના શરાબ માફીયાઓ પર જબરજસ્ત નિયંત્રણ  મુકાવેલ. જુનાગઢ રેન્જના કાર્યકાળ દરમિયાન લોકો માટે જુનાગઢના સેવાભાવી તબીબ ડો.ડી.પી.ચીખલીયા સાથે રહી દવાઓ-લેબોરેટરી-એકસ-રે-એમઆરઆઇ સુવિધા સાથેના વિનામુલ્યે કેમ્પો કરાવ્યા હતા.

વડાપ્રધાન બંદોબસ્તના મહારથી એવા મનોજ શશીધર સ્ટ્રોંગ અધિકારી છે

રાજકોટઃ સુશાંતસિંઘ રાજપુતની તપાસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનું સુકાન સંભાળનાર મનોજ શશીધર રાજકોટ  રેન્જમાં ડીઆઇજી દરજ્જે ફરજ બજાવી ચુકયા છે. રાજકોટ રેન્જમાં તેઓએ ખુબ જ નિયંત્રણ રખાવ્યું હતું. વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે બંદોબસ્તનું સુકાન મનોજ શશીધરને જ સુપ્રત થતું.

વડાપ્રધાનની ગુડસબુકમાં હોવાનું સુત્રો માને છે. મનોજ શશીધર પણ બેદાગ છબી ધરાવતા યશસ્વી અધિકારી તરીકે જાણીતા છે.

ફાયર બ્રાન્ડ મહિલા આઇપીએસ ગગનદીપ ગંભીરની ભારે ધાક હતી

રાજકોટઃ વડોદરા રૂરલ સહીત વિવિધ સ્થળોએ ફરજ બજાવનારા ગગનદીપ ગંભીર ફાયર બ્રાન્ડ મહિલા આઇપીએસ ઓફીસર તરીકે પોલીસ તંત્રમાં જાણીતા છે. રાજકોટમાં  પાટીદાર આંદોલન સમયે ક્રિકેટ મેચમાં ગરબડીની શંકા આધારે હાર્દિક પટેલ સ્ટેડીયમ સુધી ન પહોંચી શકે તેવી વ્યુહ રચના તેઓએ જ ગોઠવી હતી.

હાલમાં સીબીઆઇમાં ડીઆઇજી દરજ્જે  ફરજ બજાવતા ગગનદીપ ગંભીરને રાજકીય મતભેદને કારણે રાજકોટ રૂરલમાંથી બદલવું પડયું હતું. સીબીઆઇમાં પણ તેઓ એસપી દરજ્જે પ્રસંશનીય ફરજ બજાવી ચુકયા છે.

(1:02 pm IST)