Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કુલ મૃત્યુઆંક ૪,૪૯,૮૫૬એ પહોંચ્યો

૨૪ કલાકમાં ૨૨,૪૩૧ નવા પોઝિટિવ કેસોઃ ૩૧૮ દર્દીના મોત

કેરળમાં કોરોનાનો કહેરઃ એક દિવસમાં ૧૨,૬૧૬ લોકો સંક્રમિત, ૧૩૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૭: કેરળમાં કોરોના સંક્રમણ ફરીથી માથું ઊંચકી રહ્યું હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૨ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૩૪ દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૨૨ હજારથી ઉપર નોંધાઈ છે. નવરાત્રિના તહેવારનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેવા સમયે ગુજરાતમાં પણ તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પરંતુ વિશેષણોએ તહેવારોની સીઝનમાં સંક્રમણના ફેલાવાની આશંકા વ્યકત કરી છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૨,૪૩૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૮,૯૪,૩૧૨ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૨,૬૩,૬૮,૬૦૮ કોરોના વેકસીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૦૯,૫૨૫ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૨ લાખ ૨૫૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૬૦૨ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૪૪,૧૯૮ એકિટવ કેસ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૮૫૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ ઓકટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૭,૮૬,૫૭,૪૮૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૪,૩૧,૮૧૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમણના કેસોની વાત કરીએ તો વધુ ૨૧ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે ૧૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે સતત બીજા દિવસે એક દર્દીનું મોત થયું છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૪ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં આજની તારીખે રસીના કુલ ૬,૨૮,૫૫,૯૬૨ ડોઝ આપવામાં આવ્યા છે.

(11:30 am IST)