Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે ।। શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણિ નમોસ્તુતે ।।

વર્ષો પછી શેરી ગરબાની રોનક જામશે

આ વખતે પણ કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ, સોસાયટી - શેરી શેરીએ ગરબાની રમઝટ જામશે

નવી દિલ્હી તા. ૭ : જગદંગા, અંબા, ઉમિયા, ભવાની સહિતના અસંખ્ય નામો સાથે શકિત સ્વરૂપે મંદિરોમાં બિરાજમાન આદ્યશકિતની આરાધનાનો અવસર આજે આસો સુદ પૂનમથી શરૂ થશે. શારદીય નવરાત્રીના આરંભ સાથે જ હવેથી ૮ દિવસ માટે સવારે મંદિરોમાં અને રાત્રિએ શેરી-સોસાયટીઓમાં રોનક દેખાશે. કોરોના નિયંત્રણો હળવા થતાં આ વર્ષે નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબા. દોઢિયા અને દાંડિયા રાસની રોનક ફરી દેખાશે. કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ હોવાની સાથે જ શેરી શેરીએ અને સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામશે. ગુરૂવારે સવારે ઘટસ્થાપન સાથે આદ્યશકિતના મંદિરોમાં શ્રદ્ઘાળુઓની ભીડ જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અસમંજસના માહોલ બાદ શહેરની સોસાયટી, શેરીઓમાં ખેલૈયાઓ, અબાલવૃધ્ધ સૌ પરંપરાગત ગરબાની મોજ માણશે. બીજી બાજુ રાત્રિએ ૧૨ વાગ્યાથી કરફયૂ અને અન્ય કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈ કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે એ માટે શહેર પોલીસતંત્ર સજ્જ થઇ ગયું છે.(૨૧.૮)

૬૪ સ્ટેપ્સની જગ્યાએ હવે એક-બે-ત્રણ તાળીના ગરબા

કોરોના નિયંત્રણો વસ્યે આ વર્ષે પ્રોફેશનલ. કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ મુકી દેવાયો છે. માત્ર શેરી-સોસાયટીમાં ગરબાના આયોજનો થતાં પ્રોફેશનલ ખેલૈયાઓમાં થોડે ઘણે અંશે નિરાશા જોવા મળી રહી છે. ગરબા કલાસિસમાં પણ રરથી ૬૪ સ્ટેપ્સ સુધીના દોઢિયાની જગ્યાએ હવે સ્ટેપ્સ ઘટાડીને તૈયારીઓ કરાવાઇ છે. બીજી બાજુ શેરી ગરબાને કારણે ફરીવાર એક. બે અને ત્રણ તાળીના પરંપરાગત ગરબાની રોનક દેખાશે. શેરી-સોસાયટીમાં પરંપરાગત ગરબા પર જ વધુ ભાર મુકાયો છે.

રાત્રીએ ૧૨ વાગ્યા સુધી જ ગરબાના આયોજનને મંજૂરી

શહેર પોલીસ તંત્રના જાહેરનામામાં જણાવ્યા મુજબ, નવરાત્રી દરમિયાન સુરતમાં રાત્રીના ૧૨ વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફલેટમાં ૪૦૦ વ્યકિતઓની મયાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપુર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબામાં ભાગ લેનાર દરેક વ્યકિતએ કોરોના વેકસીનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરાતું હોય એવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીને પરવાનગી આપવામાં આવશે નહીં

(11:37 am IST)