Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કારનો ઍક્સિડન્ટ થતાં તેનો માલિક એમાં ફસાઈ ગયો હતો, જેને માટે મદદ મેળવવા ડોગી ટિન્સ્લે પોલીસ પાસે પહોંચ્યો

નવી દિલ્હી :  પાળેલાં પ્રાણીઓમાં સૌથી વફાદાર શ્વાન મનાય છે. ડૉગીએ પોતાના પ્રેમથી બીમાર માણસોને સાજા કરી દીધા હોય એવી ઘટના પણ બની છે. 

જોકે ડૉગીઓમાં પણ જર્મન શેફર્ડ તેમની શક્તિ, બુદ્ધિ અને વફાદારી માટે જાણીતા છે. તેઓ તેમના માલિકો માટે ખૂબ રક્ષણાત્મક પણ છે અને કટોકટીની પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિક્રિયા પણ આપી શકે છે. આ બાબત ટિન્સ્લે નામના ડૉગીએ કાર-ઍક્સિડન્ટમાંથી પોતાના માલિકનો જીવ બચાવીને પુરવાર કરી છે.  
અકસ્માત બાદ કારના ભંગારમાંથી નીકળીને ટિન્સ્લેએ પોલીસને શોધીને તેને અકસ્માતના સ્થળે લઈ જવાની કોશિશ કરી. શરૂઆતમાં તો પોલીસને લાગ્યું કે ડૉગી એના માલિકથી છૂટો પડી ગયો છે, પરંતુ પછી ડૉગી કોઈક સ્થળે લઈ જવાની કોશિશ કરી રહ્યો હોવાનું સમજાતાં તેઓ ડૉગીની સાથે ગયા અને જોયું કે કારનો ઍક્સિડન્ટ થતાં તેનો માલિક એમાં ફસાઈ ગયો હતો, જેને માટે મદદ મેળવવા ટિન્સ્લે પોલીસ પાસે પહોંચ્યો હતો. 
અકસ્માતના સ્થળે જઈને જોતાં પોલીસે ડ્રાઇવર અને અન્ય પૅસેન્જરને ટ્રકની બાજુમાં બરફમાં પડેલા જોયા. જોકે બદ્નસીબે ટિન્સ્લેના માલિકનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 
ટ્વિટર પર વીરેટડૉગ્સ પેજ પર ટિન્સ્લેના ફોટો સાથે આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું તેમ જ ટિન્સ્લેની બહાદુરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી. 
ન્યુ હૅમ્પશર રાજ્યની પોલીસે આખી ઘટના પોતાના ફેસબુક-પેજ પર શૅર કરી છે. 
ટિન્સ્લેનો માલિક તો આ અકસ્માતમાં બચી નહોતો શક્યો, પરંતુ ટિન્સ્લેની સમયસૂચકતાએ બીજા બે મુસાફરનો જીવ બચાવી શકાયો હતો.

(9:49 pm IST)