Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભયાનક આગ ભભૂકી : ૧૦૮૪ મકાનો બળીને ખાખ : ૫૧ કરોડ ડોલરનું નુકસાન

૨૫ ચોરસ કિલોમીટરના જંગલમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં પ્રસરી જતાં ૧૦૮૪ મકાનો બળી ગયા

અમેરિકાના કોલોરાડો રાજ્યના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી છે. દિવસોના પ્રયાસો છતાં એને કાબૂમાં લઈ શકાઈ નથી. એ આગમાં ૧૯૮૪ મકાનો બળીને ખાક થઈ ગયા હોવાનો અહેવાલ રજૂ થયો હતો.

કોલોરાડોની સરકારે જંગલની ભયાનક આગમાં થયેલા નુકસાનનો અહેવાલ આપ્યો હતો. ૨૫ ચોરસ કિલોમીટરના જંગલમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં પ્રસરી જતાં ૧૦૮૪ મકાનો બળી ગયા હતા.

જંગલના કારણે કોલોરાડોને ૫૧ કરોડ ડોલરનું નુકસાન થયું છે.કોલોરાડોના ઈતિહાસમાં આ સૌથી ભયાનક આગ છે. કોલોરાડોના વેધર વિભાગના કહેવા પ્રમાણે આગ લાગવા પાછળ ક્લાઈમેટ ચેન્જ પણ એક કારણ છે. સતત ગરમી વધી રહી હોવાથી જંગલોમાં વારંવાર આગ ફાટી નીકળે છે. કોલોરાડોમાં ૨૦૨૦ના વર્ષમાં ત્રણ વખત આગ ફાટી નીકળી હતી. એક જ વર્ષમાં ત્રણ-ત્રણ જંગલમાં આગ ફાટી નીકળી હોય એવું પણ કોલોરાડોમાં પહેલી વખત બન્યું હતું.
કોલોરાડોના સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે આગ કાબૂમાં ન આવવાનું એક કારણ તેજ પવન પણ છે. જે જંગલમાં આગ ફાટી નીકળી છે ત્યાં ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો રહે છે. તેના કારણે કાબૂમાં આવેલી આગ ફરીથી આગળ વધે છે. જે જંગલમાં આગ લાગી છે એ કોલોરાડોના પાટનગર ડેનવરથી ૩૨ કિલોમીટર દૂર છે. જંગલની નજીક ૩૫ હજાર લોકો રહે છે.
અગાઉ ૨૦૧૩માં સૌથી ભીષણ આગ ફાટી નીકળી હતી. એ વખતે ૪૮૯ મકાનો બળી ગયા હતા અને બે લોકોનાં મોત થયા હતા.

(12:00 am IST)