Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બરફમાં ઘૂંટણ સુધી પગ ધસી જાય,બરફીલા પવન કોઈ તલવારની જેમ ચાલે,પરંતુ ચટ્ટાનની જેમ ઉભા છે જવાન

જવાનનો વીડિયો PRO ઉધમપુર લેફ્ટનન્ટ કર્નલ અભિનવ નવનીતે ટ્વીટર પર શેર કર્યો: રુવાડા ઉભા કરતો જુઓ વિડિઓ

નવી દિલ્હી :  હિમાલયના બરફીલા પહાડોમાં હાલ તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. પ્રકૃતિની આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારતીય સેનાના જવાન એલર્ટ રહે છે. બરફમાં ઘૂંટણ સુધી પગ ધસી જાય છે, બરફીલા પવન કોઈ તલવારની જેમ ચાલે છે, પરંતુ તે જવાનના પગ ડગમગતા નથી. હાથોમાં પોતાની બંદૂક લઈને તે પૂરી સાવધાનીથી સીમાઓ પર નજર રાખે છે જેથી કોઈ દુશ્મન ભારત તરફ આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે.

આવા જ એક જવાનનો વીડિયો PRO ઉધમપુર લેફ્ટનન્ટ કર્નલ અભિનવ નવનીતે ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોના રુંવાડા ઊભા થઈ ગયા છે. આ વીડિયો જો ચીનની સેનાના જવાન જોઈ લે તો તેમની બોલતી બંધ થઈ જાય.

લેફ્ટનન્ટ કર્નલ અભિનવ નવનીતે વીડિયોની સાથે રુડયાર્ડ કિપલિંગની કવિતા For All We Have and Areનો એક અંશ શેર કર્યો છે. કિપલિંગ આ કવિતામાં દેશની રક્ષા માટે હથિયાર ઉઠાવવાની અપીલ કરે છે. કવિતા કહે છે કે, પોતાના લક્ષ્‍યને મેળવવાની કોઈ સરળ આશા નથી, પરંતુ અમારા શરીર અને આત્માનો ત્યાગ જરૂર છે. બધા માટે એક કામ છે, એક જ જીવન આપવા માટે છે, જો આઝાદી જતી રહેશે તો પછી ઊભું કોણ રહેશે?

સૈનિક કેવી દુર્ગમ પરિસ્થિતિઓમાં ભારતની રક્ષા કરે છે, તેની ઝલક જોઈને ઘણા લોકોને વિશ્વાસ ના થયો. જ્યારે માઈનસ 2-3 ડિગ્રી તાપમાનમાં જ લોકોની હાલત ખરાબ થઈ જતી હોય, ત્યાં -40 ડિગ્રી ટેમ્પરેચરમાં તો કુલ્ફી જ બની જાય. તેમ છતા ભારતીય સેના અડગ રહે છે, જેથી આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રહી શકીએ, એ તમામ મુશ્કેલીઓથી દૂર જેનો સામનો કરવા માટે તેઓ પોતે હાજર છે. સોશિયલ મીડિયા પર લોકો આ જવાનને સલામ કરી રહ્યા છે.

(11:25 pm IST)