Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વુહાનમાં WHOની ટીમે તપાસ પૂરી કરી : બુધવારે પત્રકાર પરિષદ યોજી

કોરોના વાયરસ ખરેખર કયાંથી આવ્યો : રહસ્ય અકબંધઃમહત્વના સબૂતો મળ્યાનો દાવો : વિગતો જાહેર કરાશે...

નવી દિલ્હી તા. ૮ : આખી દુનિયાની અંદર હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ખરે આવ્યો કયાંથી તે હજુ સુધી રહસ્ય છે. ૨૦૧૯ના વર્ષના નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં આ વાયરસ ફેલાયો હતો અને ત્યાંથી આખી દુનિયામાં ગયો. ત્યારે કોરોના વાયરસની ઉત્પતિ અંગે તપાસ કરવા થોડા દિવસો પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ ચીનના વુહાનમાં ગઇ છે. આ ટીમના હાથ મહ્રતવના સબૂત લાગ્યા છે. આ સબૂત શું છે તેનો ખુલાસો આગામી બે કે ત્રણ દિવસમાં થશે.

ટીમના એક સભ્યે જણાવ્યું કે ચીને તેમને દરેક સ્થાન પર જવાની અને દરેક કર્મચારીને મળવાની મંજૂરી આપી દીધી છે, જેનો તેમણે આગ્રહ કર્યો હતો. ટીમના સભ્યોએ જણાવ્યું કે અમને પુછવામાં આવ્યું હતું કે અમારે કયાં જવું છે અને કોને મળવું છે. જેના જવાબમાં અમે એક લિસ્ટ આપી હતી, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે તેમની ટીમે વિવધ જગ્યાની મુલાકાત લીધી છે. સાથએ જ આવનારા થોડા દિવસો આ વિશે વધારે માહિતિ મેળવશે અને ચીનના નિષ્ણાંતો સાથે વાતચીત પણ કરશે. સાથે જ બુધવારે તેઓ રવાના થાય તે પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના સંશોધનની માહિતિ પણ આપશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઇને સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનો ફેલાવો વુહાનની વાયરોલોજી લેબમાંથી થયો છે. આ ટીમ દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ચામાચીડીયામાંથી આ વાયરસ માણસોમાં આવ્યો હોય તેના કોઇ સબૂત મળ્યા નથી. ટીમ દ્વારા વુહાનની વાયરોલોજી લેબની મુલાકાત પણ લેવામાં આવી હતી.

તેમણે આગળ કહ્યું કે વાયરોલોજી લેબ તો નહીં પણ ચીનના સી ફૂડ માર્કેટોનો રોલ શંકાસ્પદ છે. કારણ કે જયારે કોરોના વાયરસ ફેલાયો તો સૌપ્રથમ આ માર્કેટોને બંધ કરવામાં આવ્યા હતા.

(10:22 am IST)