Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમે નિઃસહાય બની પ્રચંડ પુરમાં અમારા લોકોને તણાતા જોઇ રહ્યા !

દહેરાદુન, તા., ૮: રવિવારે સવારે મહાત્મા દેવી (ઉ.વ.૪ર) ઉતરાખંડના જુગજુ ગામથી બહાર આવેલા પોતાના ઘરેથી બહાર નિકળી હતી. તેમને પાડોશી ગામ રૈનીમાં  ઢોરઢાખર માટે ચારો અને ઇંધણની લાકડુ લેવાનું હતું. તેના ૩ દિકરામાંથી એક અંકીત (ઉ.વ.૧૭) ત્યારે ઘરે હતો. એ સમયે રૈની ગામના સરપંચે તેમને જોયા હતા. સરપંચ સંગ્રામસિંહ રાવતે કહયું કે, મને મહાત્મા દેવી સવારે ૮ વાગ્યે જોવા મળ્યા હતા. હું ૩ લોકો સાથે પહાડ ઉપર જઇ રહયો હતો ત્યારે તે નીચે જઇ રહયા હતા. તેમની સાથે અમે દુવા સલામની લેતી-દેતી કરી હતી. તેમણે જણાવ્યું કે ૧ કલાક પછી ભયાનક ગર્જના થઇ. અમે ઉપર જોયું તો વાદળી આકાશ ભુરૂ થઇ ગયું હતું. ત્યાર બાદ અમે અંકીતને ચીસો પાડતો સાંભળ્યો કે, મારી માંને બચાવી લ્યો, અમે જોયું તો પાણીની એક દિવાલ પહાડોને પાર કરી આગળ વધતી આવી રહી હતી.  જે રસ્તામાં આવવાવાળી દરેક ચીજ, માણસ, જાનવર, વૃક્ષોને તાણી આગળ વધી રહી હતી.

વડીલોને તણાતા જોઇ  યુવાનો-  બાળકો કાંઇ ન કરી શકયા

આનાથી કેટલાક મીટર દુર રૈની ચુકસા  ગામની અનીતાદેવી (ઉ.વ.૭૦) પોતાના જાનવર ચરાવી રહી હતી. ઓચિંતા કાટમાળ  ભરેલી ધૌલી ગંગા રૈની ગામની તરફ ધસી આવી. આ ગામના કુંદનસિંહ (ઉ.વ.૪ર)એ જણાવ્યું કે તેઓ પોતાના પૌત્ર ગોલુ અને દિકરાની વહુ તનુજા સાથે હતા. આ બંન્ને અનિતાદેવીને પાછળ મુકી પોતાની જાન બચાવવા ભાગ્યા હતા. અનિતાદેવીને પુર ઢસડી ગયું અને અમે અસહાય બની જોતા રહયા.

પાછળ બચ્યો ખાલી કાટમાળનો ઢગલો

અડધી કલાક પછી રૈની ગામના લોકો  બહાર નિકળેલા પોતાના આપ્તજનોને શોધવા નિકળ્યા હતા. સંગ્રામસિંહે જણાવ્યું કે, અમે જે જોયું તે દ્રશ્ય બિહામણું હતું. થોડા કલાકો પહેલા જે લોકો લાકડુ કાપી રહયા હતા અને જાનવર ચરાવી રહયા હતા તે બધા ગાયબ હતા. તેમની જગ્યાએ માત્ર કાટમાળનો ઢગલો હતો.

હાઇડ્રો પાવર પ્રોજેકટનો વિરોધ કોઇ કાને ધરતુ ન હતું.

કુંદન અને સંગ્રામસિંહે આ વિસ્તારમાં વર્ષો પહેલા હાઇડ્રો પાવર પ્રોજેકટ લગાવવા સામે વિરોધ થઇ રહયાનું જણાવ્યું હતું. તેમની અરજી ઉપર કેન્દ્ર અને રાજય સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો છે. તેઓ કહે છેકે, આજે જે બન્યુ તે પ્રકૃતિ વિરૂધ્ધ થઇ રહયું છે તે સુચવી રહયું છે.

(3:21 pm IST)