Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

કમોસમી વરસાદે ધરતીપુત્રોની પથારી ફેરવી : ચિંતાના વાદળો

ખેડૂતોની મહેનત પાણી - પાણી : મુખે આવેલો કોળિયો છીનવાયો : ઘઉં - જીરૂ - ધાણા - કેરી સહિતના પાકને ભયાનક નુકસાન : વળતરની ઉઠી માંગણી

નવી દિલ્‍હી તા. ૭ : ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ગઇકાલ સવારથી શરૂ થયેલા આંધી - તુફાન - કરા સાથેના કમોસમી વરસાદે આફત નોતરી છે. રાજ્‍યના મોટા જિલ્લામાં વરસાદ વિલન બનતા ધરતીપુત્રોની માઠી થઇ છે. ખેડૂતોની મહેનત પાણી... પાણી... થઇ ગઇ છે. તેમના મુખે આવેલો કોળીયો છીનવાય ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઇકાલે ૧ ઇંચ સુધીના પડેલા વરસાદને કારણે સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં ઘઉં, જીરૂ, ધાણા, કપાસ અને કેરી સહિતના પાકને ભયાનક નુકસાન થયું છે. ખેડૂતોએ વળતરની માંગણી ઉચ્‍ચારી છે.

એકાએક વરસાદ વરસવાનો શરૂ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. ત્‍યારે કમોસમી વરસાદના કારણે રવિ પાક સહિતના પાકોને નુકશાન થવા પામ્‍યું છે. જેમાં ઘઉં, જીરૂ, રાયડો, કેરી, તમાકુ, કપાસ, ધાણાના પાકને નુકશાન થવા પામ્‍યું હતું.  તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતે મુકેલ માલ પણ વરસાદમાં પલળી જવા પામ્‍યો હતો. જેનાથી ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્‍યું છે.

જામનગર જીલ્લાના વાતાવરણમાં એકાએક પલ્‍ટો આવ્‍યો છે. ત્‍યારે કાલાવડમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્‍યો  હતો. જેમાં ખરેડી, નીકાવા સહિતના ગ્રામ્‍ય પંથકમાં

વરસાદ ખાબક્‍યો હતો. ત્‍યારે વડાલા, પીપર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્‍યો હતો. કમોસમી વરસાદના કારણે રવીપાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.  ઘઉ, ચણાા, જીરૂ, ધાણા, મેથી સહિતના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનિ ચિંતામાં વધારો થયો છે.

રાજયભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જાણે માઠી બેઠી છે. માવઠાને કારણે ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્‍યુ છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્‍યુ છે. એક લાખ હેક્‍ટરમાં કેરીના પાકને નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીના પાકના મોરવા તૂટી પડ્‍યા છે. રાજય સરકાર ઝડપથી સર્વે કરી સહાય ચુકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ રાજયમાં સામાન્‍યથી છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્‍ટ્રોમ અને હેલસ્‍ટ્રોમ એક્‍ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. જયારે ૧ ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે. અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે.

વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, અને સુરતમાં સામાન્‍ય વરસાદ થવાની સંભાવના છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને એક સિસ્‍ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે.

હાલમાં ભુજમાં ૩૮.૪ ડિગ્રી તાપમાન, અમદાવાદમાં ૩૬.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન છે. જે ૯ માર્ચ બાદ ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને ફોરકાસ્‍ટ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં પ્રિમોન્‍સુન એક્‍ટિવિટી સક્રિય થતા વરસાદ સાથે હેલસ્‍ટ્રોમ થવાની પણ શક્‍યતા છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને સિસ્‍ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે.

(9:45 am IST)