Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

છત્તીસગઢ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 2,500 રૂપિયાનું ભથ્થું આપશે : ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની જાહેરાત

બેરોજગારોને ભથ્થું આપવા માટે એક નવી યોજના શરૂ કરાશે :18 થી 35 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને 2500 રૂપિયાનું ભથ્થું અપાશે જેમણે ધોરણ 12 પાસ કર્યું હોય અને જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખ રૂપિયાથી ઓછી છે

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના છેલ્લા બજેટમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 2,500 રૂપિયાનું ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નાણા મંત્રાલય સંભાળનાર ભૂપેશ બઘેલે સોમવારે વિધાનસભામાં કહ્યું, ‘બેરોજગારોને ભથ્થું આપવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ 18 થી 35 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને 2500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે જેમણે ધોરણ 12 પાસ કર્યું છે અને જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખ રૂપિયાથી ઓછી છે.

અસલમાં છત્તીસગઢમાં કોંગ્રેસે ચાર વર્ષ પહેલા 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા બેરોજગારી ભથ્થાનું વચન આપ્યું હતું. રાજ્યમાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) અત્યાર સુધી બઘેલ સરકારની તેના વચનો પૂર્ણ ન કરવા બદલ ટીકા કરી રહી છે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે.

આ યોજના માટે કુલ 250 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

સરકારે નિરાધાર, વૃદ્ધો, અપંગ, વિધવાઓ અને ત્યજી દેવાયેલી મહિલાઓ માટે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં દર મહિને 500 રૂપિયાનો વધારો કરવાની પણ જાહેરાત કરી હતી.

આ ઉપરાંત બઘેલે કહ્યું કે સરકાર રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના હેઠળ મુખ્ય ખરીફ પાકો, મોટાભાગે ચોખા માટે ઇનપુટ સબસિડી પર રૂ. 6,800 કરોડનો ખર્ચ કરશે.

બઘેલે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂ. 6,500 થી વધારીને રૂ. 10,000 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું હતું. આંગણવાડી સહાયકોના કિસ્સામાં ભૂપેશે કહ્યું કે તે દર મહિને 3,250 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે મનેન્દ્રગઢ, ગીદમ, જાંજગીર ચંપા અને કબીરધામ જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. રાજ્યમાં 101 નવી સ્વામી આત્માનંદ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના સાથે શિક્ષણ ક્ષેત્ર માટે કુલ રૂ. 870 કરોડ પણ ફાળવવામાં આવ્યા છે.

 

(6:55 pm IST)