Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ તરીકે ભારતીય-અમેરિકન અરુણ સુબ્રમણ્યમની નિમણૂંક

સુબ્રમણ્યમ આ બેન્ચમાં સામેલ થનારા દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ જજ : યુએસ સેનેટે આપી મંજૂરી

નવી દિલ્હી :યુએસ સેનેટે ન્યુયોર્ક  ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ તરીકે ભારતીય-અમેરિકન અરુણ સુબ્રમણ્યમની નિમણૂંકની પુષ્ટિ કરી છે. સુબ્રમણ્યમ આ બેન્ચમાં સામેલ થનારા દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ જજ હશે.સુબ્રમણ્યમના નામાંકનની તરફેણમાં 58 અને વિરોધમાં 37 મત પડ્યા હતા.

સેનેટ લીડર ચક શૂમરે જણાવ્યું હતું કે, “અમે અરુણ સુબ્રમણ્યમને ન્યુયોર્કના દક્ષિણી જિલ્લા માટે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ તરીકે પસંદ કર્યા છે. તેઓ ભારતીય વસાહતીઓના પુત્ર છે અને દક્ષિણી જિલ્લા માટેની જિલ્લા અદાલતમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ન્યાયાધીશ પણ છે. અહીં દક્ષિણ એશિયાઈ-અમેરિકનોની મોટી વસ્તી છે. તેમણે તેમની કારકિર્દી લોકો માટે લડવામાં વિતાવી છે.

 

પીટીઆઈ અનુસાર, સુબ્રમણ્યમનો જન્મ વર્ષ 1979માં પેન્સિલવેનિયામાં થયો હતો. તેમના માતા-પિતા 1970માં જ અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમના પિતાએ ઘણી કંપનીઓમાં કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તેમની માતાએ પણ અમેરિકામાં ઘણી નોકરીઓ કરી છે.

સુબ્રમણ્યમે વર્ષ 2001માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને અંગ્રેજીમાં સ્નાતક થયા. ત્રણ વર્ષ પછી તેમણે કોલંબિયા લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી લીધી.

 

(6:58 pm IST)