Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કેન્દ્ર સરકારે શરૂ કરી તપાસ

શું ગંગા નદીના પવિત્ર પાણીમાં કોરોના વાયરસ છે?

નવી દિલ્હી, તા.૮: કોવિડ-૧૯ ની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં મૃતદેહોને મળવાના અહેવાલોને પગલે કેન્દ્રએ ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસ હાજર છે કે કેમ તે શોધવા એક પરીક્ષણ શરબ કર્યું છે. લખનવ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોકિસકોલોજીકલ રિસર્ચ (આઈઆઈટીઆર) ના ડિરેકટર સરોજ બારીકે જણાવ્યું હતું કે, આ અભ્યાસ કેટલાંક તબક્કામાં કરવામાં આવી રહ્યો છે અને કન્નૌજ અને પટનામાં ૧૩ સ્થળોએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

બારીકે જણાવ્યું હતું કે, વાયરસ અધ્યયન દરમિયાન, પાણીમાં હાજર વાયરસનું આરએનએ કાઢવામાં આવશે અને તેમાં રહેલા કોરોનાવાયરસને શોધવા માટે આરટી-પીસીઆર પરીક્ષણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આઈઆઈટીઆર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) હેઠળ એક સંસ્થા છે. આ અધ્યયન હેઠળ નદીની જૈવિક લાક્ષણિકતાઓની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારથી આગામી તબક્કાના નમૂનાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થશે. નેશનલ મિશન ફોર કલીન ગંગા (એનએમસીજી)એ એપ્રિલ-મેમાં કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન નદીમાં મૃતદેહો મળી આવ્યા બાદ આ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્રીય જળ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગયા અઠવાડિયે ટ્વિટ કર્યું હતું, 'ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ગંગા નદીમાં મૃતદેહો કાઢવામાં આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, અમે નદીના પાણીને દૂષિત ન થાય તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.' હાલની તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને નિયમિત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

એનએમસીજીના એકિઝકયુટિવ ડિરેકટર ડી.પી.મથુરિયાએ કહ્યું હતું કે, આ પરિસ્થિતિ (નદી)માં વાયરસ ટકી શકતો નથી. તેમ છતાં, અમે પુરાવા આધારિત અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે.ગંગા નદીમાં વિવિધ દ્યાટ પર મોટી સંખ્યામાં લાશ મળી આવી હતી. જે બાદ ગંગાના કાંઠે વસતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જયારે વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જયારે આ તસવીરો મીડિયામાં વાયરલ થઈ ત્યારે વહીવટીતંત્ર કાર્યવાહીમાં લાગી ગયું હતું અને આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. વહીવટી ટીમો આ બાબતે સતત નજર રાખી રહી છે, જયારે જિલ્લાની ઘણી ટીમો પેટ્રોલિંગ દ્વારા ગંગા નદીનું નિરીક્ષણ કરી રહી છે.

(11:06 am IST)