Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

તાંબાની પાઇપિંગના નેટવર્ક સાથેના મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ઉદ્દઘાટન કર્યું

કચ્છના રામબાગ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં તાંબાના પાઇપિંગ નેટવર્ક સાથે તૈયાર:આ પ્લાન્ટ હોસ્પિટલમાં તમામ બેડ પર અને વૉર્ડમાં ઓક્સિજનનો સરળતાથી એકધારો પુરવઠો સુનિશ્ચિત કરશે

નવી દિલ્હી : કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ કચ્છના રામબાગ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં તાંબાના પાઇપિંગ નેટવર્ક સાથે તૈયાર કરવામાં આવેલા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સંભાળ લેવા માટે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 50 લાખના અંદાજિત ખર્ચે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક જ મહિનામાં બીજો ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા બદલ પોર્ટની ટીમ અને તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટથી ઓક્સિજન રીફિલ કરવાનો વેગ વધશે અને તેના કારણે હોસ્પિટલમાં તમામ બેડ સુધી અને વૉર્ડમાં સરળતાથી અને એકધારો ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

માંડવિયાએ જણાવ્યું હતું કે, તમામ બંદરો કોવિડ 19 સામેની જંગમાં તેમની CSR પ્રવૃત્તિઓ દ્વારા યોગદાન આપી રહ્યાં છે. બંદરોની આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને બહેતર સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી બંદરોની છે.

ગાંધીધામ ખાતે રામબાગમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવેલા ઓક્સિજન જનરેટર એકમની ક્ષમતા 20,000 લીટર કલાકની છે, જે 5-6 બારનું પ્રેશર ધરાવે છે અને તેમાંથી જનરેટ થયેલા ઓક્સિજનનો ઉપયોગ કોવિડના દર્દીઓની સારવાર માટે તેમજ અન્ય દર્દીઓ માટે પણ થઇ શકે છે. આ સિસ્ટમના કારણે દર્દીઓની સારવાર માટે વારંવાર ઓક્સિજન રીફિલિંગ કરવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થશે અને હોસ્પિટલમાં સરળતાથી તેમજ સતત ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

(1:09 am IST)