Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નારી શકિતના બે સ્વરૂપ... દિલ્હીમાં મહિલાઓ લોકશાહીના મંદિરમાં

મોદી મંત્રી મંડળમાં નારીશકિતનો દબદબો

૩૬ નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ મોદી સરકારમાં વધી છે

નવી દિલ્હી, તા.૮: મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તાર થયો. ૪૩ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ  લીધા. ૩૬ નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ મોદી સરકારમાં વધી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મળીને હવે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. દેબશ્રી ચૌધરી મંત્રી પરિષદમાંથી બહાર થઈ ગયા છે.

મોદી મંત્રીમંડળમાં ૧૫ કેબિનેટ, ૨૮ રાજયમંત્રીઓએ શપથ લીધા. બુધવારે જે મહિલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા તેમાં અપના દળ(એસ)ના અનુપ્રિયા પટેલ, શોભા કરાંદલાજે, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, પ્રતિમા ભૌતિક, ડો. ભારતી પવાર, અને દર્શના જરદોશ સામેલ છે.

મિનાક્ષી લેખી દિલ્હીથી સાંસદ છે અને તેમને વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજયમંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે અનુપ્રિયા પટેલને વાણિજય મંત્રાલયમાં રાજયમંત્રી નિયુકત કરાયા છે. શોભા કરાંદલાજે કર્ણાટકના ઉડુપીથી બેવારથી સાંસદ છે. તેમને કૃષિ વિભાગમાં રાજયમંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે દર્શા જરદોશ ગુજરાતથી છે અને કપડા અને રેલ મંત્રાલયમાં રાજયમંત્રી બનાવવામાં આવ્યા છે.

અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમા બેઠકથી સાંસદ છે અને શિક્ષણ મંત્રાલયમાં રાજયમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રતિમા ભૌમિક ત્રિપુરાના છે અને તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં રાજયમંત્રી નિયુકત કરવામાં આવ્યા છે. ડો. ભારતી પવાર મહારાષ્ટ્રના ડિંડોરી બેઠકથી સાંસદ છે. તેમને મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં રાજયમંત્રી નિયુકત કરાયા છે.

તમામ મહિલા મંત્રીઓએ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે શપથ ગ્રહણ સમારોહ બાદની એક તસવીર શેર કરી છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની સાથે તમામ નવા મહિલા મંત્રી જોવા મળે છે. આ તસવીર ભાજપ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહિલા શકિતના વધતા વર્ચસ્વનું પ્રતિક છે.

(10:59 am IST)