Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નારી શકિતના બે સ્વરૂપ... અફઘાનિસ્તાનમાં મહિલાઓ રણચંડી બની રણ મેદાનમાં

તાલિબાનના ડરથી મેદાન છોડી ભાગ્યા સૈનિકોઃ અફઘાન મહિલાઓ બની રણચંડીઃ સંભાળ્યો મોરચો

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસીની સાથે જ તાલિબાને ફરીથી કેર વર્તાવવાનો ચાલુ કરી દીધો છેઃ અનેક વિસ્તારો પર તાલિબાને કબજો જમાવ્યો છે અને અફઘાનિસ્તાન સૈનિકોએ પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનો વારો આવ્યો છે

કંદહાર, તા.૮: અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસીની સાથે જ તાલિબાને ફરીથી કેર વર્તાવવાનો ચાલુ કરી દીધો છે. અનેક વિસ્તારો પર તાલિબાને કબજો જમાવ્યો છે અને અફદ્યાનિસ્તાન સૈનિકોએ પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનો વારો આવ્યો છે. આવામાં અફઘાન મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. મહિલાઓ પોતાના સૈનિકોના મનોબળ અને જુસ્સો વધારવા માટે મેદાનમાં ઉતરી છે. તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા શ્વાસ સુધી તાલિબાન સામે લડવા તૈયાર છે.

ધ સનમાં છપાયેલા અહેવાલ મુજબ અફદ્યાનિસ્તાનમાં તાલિબાન રાજની આશંકા જોતા મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. તેઓ રસ્તાઓ પર ઉતરીને તાલિબાન વિરોધી નારા લગાવી રહ્યા છે અને યુદ્ઘના મેદાનમાં તેમનો સામનો કરવા માટે પણ તૈયાર છે. દ્યોર સ્થિત મહિલા નિદેશાલયના પ્રમુખ Halima Parastishએ કહ્યું કે કેટલીક મહિલાઓ સુરક્ષાદળોને ફકત પ્રતિકાત્મક રીતે પ્રેરિત કરવા માંગે છે જયારે મોટાભાગની મહિલાઓ તાલિબાન સાથે યુદ્ઘ માટે પણ તૈયાર છે અને તેમાં હું પણ સામેલ છું. અમે ગવર્નર પાસે યુદ્ઘમાં સામેલ થવાની ઈચ્છા પણ વ્યકત કરી છે.

વિદેશી સૈનિકોની વાપસીથી તાલિબાનનું મનોબળ વધી ગયુ છે. તેઓ સતત અફઘાન સેના પર ભારે પડી રહ્યા છે. મહિલાઓને ડર છે કે જો તાલિબાન સંપૂર્ણ રીતે હાવી થયું તો દેશ ૨૦ વર્ષ જૂના સમયમાં પહોંચી જશે જયાં તેમના પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. અત્રે જણાવવાનું કે હાલમાં જ તાલિબાને પોતાના કબજાવાળા વિસ્તારોમાં કટ્ટર કાયદા લાગૂ કરવાની જાહેરાત કરેલી છે. જે હેઠળ મહિલાઓને એકલા ઘરની બહાર નીકળવાની આઝાદી નથી. આ સાથે જ પુરુષો માટે પણ દાઢી રાખવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.

૨૦ વર્ષની એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું કે કોઈ પણ મહિલા લડવા માંગતી નથી, હું ફકત મારું શિક્ષણ ચાલુ રાખવા માંગુ છું અને હિંસાથી દૂર રહેવા ઈચ્છું છું. પરંતુ પરિસ્થિતિઓએ મને અને અન્ય મહિલાઓને આ હાલમાં લાવીને ઊભા કરી દીધા છે. અમારી પાસે તાલિબાન વિરુદ્ઘ બંદૂક ઉઠાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હું નથી ઈચ્છતી કે દેશ આવા લોકોના નિયંત્રણ હેઠળ આવે, જે મહિલાઓ સાથે જાનવરો જેવો વર્તાવ કરે છે.

સોશિયલ મીડિયામાં એવી અનેક તસવીરો સામે આવી છે કે જેમાં અફઘાન મહિલાઓના હાથમાં હથિયાર અને દેશનો ઝંડો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ રાજધાની કાબૂલ, ફારયાબ,  હેરાત અને અન્ય અનેક શહેરોમાં મહિલાઓએ રસ્તાઓ પર ઉતરીને તાલિબાન વિરુદ્ઘ પ્રદર્શન કર્યું અને યુદ્ઘમાં સામેલ થવાની ઈચ્છા વ્યકત કરી. નોંધનીય છે કે અમેરિકી સૈનિકોની વાપસી બાદથી જ તાલિબાને દેશ પર કબજો જમાવવાનો શરૂ કરી દીધો છે. અત્યાર સુધીમાં અનેક મહત્વપૂર્ણ વિસ્તારો પર કબજો જમાવી દીધો છે. અફઘાન સેના તાલિબાન આગળ લાચાર જોવા મળી રહી છે.

(10:58 am IST)