Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

દેશના ૧૭૪ જિલ્લામાં કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ વધતા ખળભળાટ

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના ગંભીર સ્વરૂપોની જાણ થતા સંક્રમણ વધવાના આસાર જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી, તા.૮: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમયે લોકોને ખાસ સતર્કતા રાખવાની સલાહ આપી છે. દેશના ૧૭૪ જિલ્લામાં કોરોનાના અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપની હાજરીનો ખ્યાલ આવ્યો છે. કોરોનાના નવા સ્વરૂપોના કારણે એક વાર ફરીથી કોરોનાના ઝડપથી સંક્રમણનો ખતરો જન્મ્યો છે. એટલું નહીં આ નવા સ્વરૂપ જે લોકોએ વેકિસન લીધી છે તેમને પણ ઝપેટમાં લઈ શકે છે.  અત્યાર સુધી કોરોના વાયરસના ૧૨૦ થી પણ વધારે મ્યુટેશનની ભારતમાં ઓળખ થઈ છે. તેમાંથી અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપને સૌથી વધારે અસરકારક માનવામાં આવી રહ્યા છે. ડેલ્ટા પ્લસનો કહેર પણ વધારે ઝડપથી વધી રહ્યો છે. 

પૂર્વોત્તર રાજયોમાં વધતા કોરોનાના ગ્રાફના કારણે એક વાર ફરીથી લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકાય છે. અત્યાર સુધીમાં ૭૩થી વધારે જિલ્લામાં સંક્રમણના દર ૧૦ ટકાથી વધારે રહ્યા છે જેમાં ૪૮ જિલ્લા પૂર્વોત્તર રાજયોના છે.  બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે કે જયાં સંક્રમણ વધારે હશે ત્યાં લોકડાઉન લગાવી શકાય છે. 

 દુનિયાભરમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસ વધ્યા હતા પણ એક અઠવાડિયામાં મોતની સંખ્યા ઘટીને ઓકટોબર બાદથી નીચેના સ્તર પર છે. સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ બુધવારે સાપ્તાહિક મહામારી રિપોર્ટમાં કહ્યું કે યૂરોપીય ક્ષેત્રના ૩૫ દેશોના સંક્રમણના કેસમાં ૩૦ ટકાનો વધારો થયો છે.  WHOએ કહ્યું છે કે ૨૮ જૂનથી ૪ જુલાઈની વચ્ચે ૨૬ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. જે ગયા અઠવાડિયાની તુલનામાં સામાન્ય વધારે છે. જયારે અઠવાડિયામાં નોંધાયેલા મોતમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. આ ઓકટોબર બાદના સૌથી ઓછા આંકડા છે.

(10:22 am IST)