Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ચેતવણી બેઅસર... સરકારને શિંગડા ભરાવતું ટવીટરઃ ઓફિસર નિમવા ૮ સપ્તાહ માંગ્યા

સરકાર V/S ટવીટર લડાઇ વધુ ઘેરી બનવાના એંધાણ : દિલ્હી હાઇકોર્ટને નફફટ થઇ કહી દીધું કે ફરિયાદ અધિકારી નિમવા ૮ સપ્તાહ લાગશે

નવી દિલ્હી, તા.૮: ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જાણ કરી છે કે આઇટી નિયમોનું અનુપાલન કરવામાં ફરીયાદ અધિકારી નિયુકત કરવામાં ૮ અઠવાડિયાનો સમય લાગશે. ટ્વિટરે કોર્ટને એમ પણ જણાવ્યુ કે, તે ભારતમાં એક કોન્ટેકટ ઓફિસ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે જે તેમની સ્થાયી ફિઝિકલ કોન્ટેકટ એડ્રેસ હશે.

ટ્વિટરે એમ પણ કહ્યુ કે તે ૧૧ જુલાઇ સુધી નવા આઇટી નિયમ અનુસાર પોતાનો પ્રથમ અનુપાલન રિપોર્ટ રજૂ કરશે. ટ્વિટરે કહ્યુ, ટ્વિટર નવા આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે, જોકે, ટ્વિટરે નિયમના અધિકારોને પડકારના અધિકાર સુરક્ષિત રાખે છે. ટ્વિટરે એફિડેવિટમાં જણાવ્યુ કે ચીફ કંપ્લાયન્સ ઓફિસર માટે ટ્વિટર દ્વારા ભરતી પણ કાઢવામાં આવી છે.

આ પહેલા કેન્દ્રએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યુ હતું કે ટ્વિટર ઇંક. નવા આઇટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જે દેશનો કાયદો છે અને જેનું પાલન જરૂરી છે. જેની પર ટ્વિટરે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે તેના દ્વારા સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારીની નિયુકિતની પ્રક્રિયા ચાલી રહી છે.

ટ્વિટરે સોમવાર દિલ્હી હાઇકોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કહ્યુ કે તે નવા આઇટી નિયમ હેઠળ એક વચગાળાના મુખ્ય અનુપાલન અધિકારી અને એક વચગાળાના સ્થાનિક ફરિયાદી અધિકારીની નિયુકતીના અંતિમ તબક્કામાં છે. કંપનીએ કહ્યુ કે આ વચ્ચે એક ફરિયાદ અધિકારી ભારતીય ગ્રાહકની ફરિયાદ જોઇ રહ્યો છે.

નવા નિયમ હેઠળ આ માઇક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થ રીતે મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઇ ગઇ છે અને એવામાં તે યૂઝર દ્વારા નાખવામાં આવેલી કોઇ પણ ગેરકાયદેસરની પોસ્ટ દ્વારા ઉત્ત્।રદાયી હશે. નવા નિયમ ૨૬ મેથી લાગુ થઇ ગયા છે અને ટ્વિટરને આપવામાં આવેલો વધારાનો સમય વિતી ગયા બાદ પણ નવા આઇટી નિયમને જાણી જોઇને નજરઅંદાજ કરવામાં આવવા અને કેટલીક વખત કહેવામાં આવ્યા છતા નિયમોની નિષ્ફળતાની ટિકા કરી છે.

(3:40 pm IST)